Top Stories
ખેડૂતોના ફાયદાની વાત/તમારાં ઘરમાં ડુંગળી કે કપાસ પડ્યા છે તો વેપારીઓએ જણાવી મોટી માહિતી

ખેડૂતોના ફાયદાની વાત/તમારાં ઘરમાં ડુંગળી કે કપાસ પડ્યા છે તો વેપારીઓએ જણાવી મોટી માહિતી

માર્ચ એન્ડિંગના વેકેશન પછી પણ ડુંગળીની બજારોમાં આવક નોંધપાત્ર વધી છે. રવી ડુંગળીમાં વીઘા વરાળે મણિકા તૂટ્યા, સામે ભાવ પણ ઘટતાં ખેડૂતની આમદાની તૂટી છે. કોઇપણ બજારના ભાવ તૂટે એટલે ખેડૂત વેચવામાં બે-બાકળો થઇ જતો હોય છે.

મહુવા માર્કેટ યાર્ડમાં ડુંગળીની મબલખ આવકો ઠલવાઇ રહી છે પરંતુ ભાવ સાવ તળિયે છે. લાલ ડુંગળીના ભાવ 100 થી 200 વચ્ચે ક્વોટ થઈ રહ્યા છે. જ્યારે સફેદ ડુંગળીનાં ભાવ 100 થી 250 ની વચ્ચે ક્વોટ થઈ રહ્યા છે. મહુવામાં આજે લાલ ડુંગળીની આવક 23437 ગુણી ની હતી જ્યારે સફેદ ડુંગળીની આવક 75095 ગુણીની હતી.

ડુંગળીમાં બગાડને હિસાબે સ્ટોકિસ્ટો વેપારથી દૂર છે. ત્રીજી બાજુ હજુ ભાવ તૂટવાના ભયથી ખેડૂતોની આવકનો મોટી આવકો થઇ રહી છે. આ બધા સંજોગોને કારણે ડુંગળીની બજાર તળિયે જઇને બેઠી છે.

કપાસની વાત કરીએ તો ખેડૂતો તથા જીનર્સોએ ન ધારેલી તેજી કપાસનાં ભાવમાં જોવા મળી છે. મોટાભાગના ખેડૂતો પાસે કપાસ બચ્યો નથી. હવે કે કપાસ આવે છે તે કાં તો ખેડૂતોએ સંગ્રહ કરેલો કપાસ છે કાં તો જીનર્સોએ પહેલો ખરીદેલો હશે તે હશે.

હાલ સારી ક્વોલિટીનાં કપાસનાં ભાવ 2500 ની ઉપર બોલાઈ રહ્યા છે. રાજકોટમાં આજે કપાસની 3600 ગુણીની આવક ઠલવાઈ હતી. અને ભાવ 1800 થી 2510 ની વચ્ચે બોલાયા હતા. મહુવા માર્કેટ યાર્ડમાં આજે 115 ગુણીની આવક ઠલવાઈ હતી. જ્યારે ભાવ 1404 થી 2388 બોલાઈ રહ્યા હતા.

આ વર્ષે જે ખેડુતોએ કપાસનું વાવેતર કર્યું હતું તેને સારા એવા ભાવ મળ્યા છે. ગયા વર્ષે આ સિઝનમાં કપાસનાં ભાવ 1000 થી 1500 ની વચ્ચે બોલાયા હતા, પરંતુ આ સીઝનમાં કપાસનાં ભાવ 2500+ બોલાઈ રહ્યા છે. જેથી આ વર્ષે કપાસનું વાવેતર ઘણુ વધશે તેવો અંદાજ નિષ્ણાતો લગાવી રહ્યા છે.

નિષ્ણાંતો કહે છે કે જે ખેડુત મિત્રો પાસે કપાસ છે તેને વહેલી તકે વહેતી ગંગામાં હાથ ધોઈ લેવા જોઈએ એટલે કે કપાસ વેંચી રૂપિયા ખિસ્સામાં નાખી દેવા જોઈએ , કારણ કે આગળ જતા કપાસનાં ભાવમાં વધારો થશે કે ઘટાડો એ કહેવું મુશ્કેલ છે.