રાજ્યના લગભગ 29 જિલ્લાઓમાંથી ચોમાસાની વિદાય બાદ ફરી એક વખત વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ગઇકાલે બપોર બાદથી જ રાજ્યના વિવિધ ભાગોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હવામાન પલટાયું હતું અને વરસાદ પડ્યો હતો.
આવામાં હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ રાજ્યના હાલના વાતાવરણ, અરબ સાગરમાં સર્જાયેલી સિસ્ટમની ગુજરાત પર અસર અને વાવાઝોડું બનવાની શક્યતા તથા 14-15 તારીખથી પડનારા માવઠાની માહિતી આપી છે.
આ દરમિયાન ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા ઇંચ સુધી કમોસમી વરસાદ પડી શકે, તે અંગે પણ તેમણે માહિતી આપી છે.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ તેમના યુ-ટ્યુબ વીડિયોમાં જણાવ્યું છે કે, આજથી વાતાવરણમાં ફરી ધીમે-ધીમે બદલાવ આવશે.
આવનારા દિવસોમાં વધુ એક માવઠું થાય તેવી શક્યતાઓ છે. 14-15 ઓક્ટોબરથી લઇ 18 ઓક્ટોબર સુધીના માવઠાની તીવ્રતા વધારે હશે. તેના વિસ્તારો પણ વધારે હશે.
અરબ સાગરમાં એક અસ્થિરતા ઊભી થઇ રહી છે. એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનીને લો પ્રેશર અને વેલમાર્ક લો પ્રેશરની કેટેગરી સુધી જાય તેવી શક્યતાઓ છે.
અત્યારે ઘણી જગ્યાએથી તમને એવી માહિતી મળતી હશે કે અરબ સાગરમાં એક વાવાઝોડું બનશે. પરંતુ તેનાથી કોઇ ડરવાની જરૂર નથી. કોઇ વાવાઝોડું બને તેવી શક્યતાઓ હાલ દેખાતી નથી.
આ એક પ્રકારની અસ્થિરતા છે અને એક વરસાદી સિસ્ટમ બનશે. તેના કારણે વાવાઝોડું બને તેની શક્યતાઓ ખૂબ નહીવત છે.
અરબ સાગરની સિસ્ટમ ગુજરાતથી ઘણી દૂરથી પસાર થશે. તે ઓમાન અથવા યમન તરફ જાય તેવી શક્યતાઓ વધુ છે. એના કારણે તેના અમુક વાદળો ગુજરાત પરથી પસાર થશે. તેના કારણે 700 એચપીએ લેવલે એક શિયર ઝોન બનશે. તેના કારણે ગુજરાતમાં વરસાદ પડી શકે છે.