દિવાળીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે લોકો હવે ખરીદી માટે પણ બહાર નીકળતા જોવા મળે છે અને માર્કેટમાં કીડીયારું ભરાયું હોય એવા દ્રશ્યો સામે ઉભરી આવે છે. વર્ષના સૌથી મોટા તહેવાર દિવાળીને આડે હવે માંડ 10 દિવસ બાકી છે ત્યારે ત્યારે શહેરના બજારોમાં ફુલ તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે દિવાળીને લઈને કપડાની ડિમાન્ડમાં પણ વધારો થયો છે. જેમાં રેડીમેઈડ કપડાં અને ફેબ્રિકસનું પણ વધારે વેચાણ થઈ રહ્યું છે. સાથે સાથે એપેરલની ડિમાન્ડમાં વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે સુરતથી એક રિપોર્ટ સામે આવ્યો છે જે જાણીને તમે ચોંકી જશો.
મળતી વિગતો પ્રમાણે સુરતમાં રોજના અંદાજે 50 કરોડ રૂપિયાની વસ્તુઓનું વેચાણ થઈ રહ્યું હોવાનું રિટેઈલરો કહી રહ્યાં છે. ઓનલાઈનથી લોકો ખરીદી કરી રહ્યાં છે પરંતુ સુરતમાં જ મોટાભાગની ટેક્સટાઈલ પ્રોડક્ટ બનતી હોવાથી લોકો સ્થાનિક દુકાનમાંથી ખરીદી કરવાનું વધારે પસંદ કરતા હોવાનું સામે આવ્યું છે. હાલમાં સોમવારથી શુક્રવાર દરમિયાન શહેરમાં 50 કરોડ રૂપિયાનો વકરો તો વળી શનિ-રવિ દરમિયાન 70 કરોડથી વધારેનો ટેક્સટાઈલમાં બિઝનેસ થઈ રહ્યો હોવાના આંકડા પણ સામે આવી રહ્યા છે.
જોઈ શકાય છે કે શહેરની નાની મોટી દરેક માર્કેટોમાં લોકો ધૂમ ખરીદી કરે છે. રવિવારે ભાગળ, વરાછા, પાલ-અડાજણ, વેસુ, પીપલોદ વગેરે જેવા તમામ વિસ્તારોમાં ખરીદારોની ભારે ભીડ હતી. સામાન્ય રીતે શહેરીજનો જ્વેલરીની ખરીદી પુષ્યનક્ષત્ર અને ઘનતેરસના દિવસે કરતા હોય છે પરંતુ બે વર્ષથી લગ્નની સિઝનની પથારી ફરી ગઈ છે ત્યારે દિવાળી બાદ થોડા જ દિવસોમાં લગ્ન શરૂ હોવાથી લોકો હાલમાં જ્વેલરીની ખરીદી પણ ભારે માત્રામાં કરી રહ્યા હોવાનું જોવા મળે છે. શહેરમાં રોજની અંદાજે 15 કરોડ રૂપિયાની જ્વેલરીનું વેચાણ થઈ રહ્યું છે.
ન માત્ર કપડાં જ કે ન માત્ર સોનુ... પણ સાથે સાથે 4 કરોડ રૂપિયાના ફ્રિઝ, ટી.વી, વોશિંગ મશીન વગેરેનું વેચાણ થઈ રહ્યું છે. બીજી તરફ 70 કરોડ રૂપિયાની ગાર્મેન્ટ્સનું દુકાનોમાંથી રોજિંદુ વેચાણ થઈ રહ્યું હોવાની પણ માહિતી સુરતથી સામે આવી રહી છે. જ્વેલર્સો માટે પુષ્પ નક્ષત્ર અને ધનતેરસ સૌથી અગત્યનો દિવસ ગણાય છે. સામાન્ય દિવસો કરતાં વધારે દાગીનાનું વેચાણ થાય છે. પરંતુ કોરોનાકાળમાં લગ્ન ધામધૂમથી ઉજવી શકાયા ન હતાં. જેમના લગ્ન મોકૂફ થયા હતાં તેઓ પણ લગ્ન કરી રહ્યાં છે માટે હવે જ્વેલરીની ખરીદી પણ નિકળી રહી છે. હાલ શહેરમાં રોજની અંદાજે રોજની 15 કરોડ રૂપિયાની જ્વેલરીનું વેચાણ થઈ રહ્યું છે.