પતંગ રસિયાઓ માટે સારા સમાચાર આપતા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આ વખતે ઉત્તરાયણ પર્વ આનંદદાયક રહેશે. 14 અને 15 જાન્યુઆરીના રોજ સવારે પવનની ગતિ 5 થી 6 કિમી પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. દિવસ દરમિયાન પવનની ગતિમાં વધારો થશે અને 10 થી 15 કિમીની ઝડપે આંચકાના પવન ફૂંકાઈ શકે છે. બપોર પછી પણ પવનની ગતિમાં સતત વધ-ઘટ જોવા મળશે, જે પતંગબાજી માટે અનુકૂળ રહી શકે
અંબાલાલ પટેલે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું છે કે આ વર્ષે પશ્ચિમી વિક્ષેપ (વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ) નબળા પડી રહ્યા છે. પશ્ચિમી વિક્ષેપો બરોબર ન આવવાને કારણે હિમાલયમાં જોઈએ તેવો બરફ જામી રહ્યો નથી. આની સીધી અસર ઉનાળામાં જોવા મળશે, જ્યાં નદીઓમાં પાણીનો પ્રવાહ ઓછો રહેવાની શક્યતા છે.
હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા વ્યક્ત કરતા તેમણે જણાવ્યું છે કે 18 થી 24 જાન્યુઆરીએ સાયક્લોનિક સર્ક્યુલેશન અને બંગાળની ખાડી તેમજ અરબ સાગરના ભેજને કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. ફેબ્રુઆરી થી એપ્રિલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નીચલા સ્તરે આવશે, તો ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ મહિનામાં પણ માવઠું (કમોસમી વરસાદ) થવાની શક્યતા રહેશે
ખેડૂતો માટે રાહતના સમાચાર આપતા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 7 જુલાઈથી 'અલ-નીનો'ની અસર ઓછી (ઝાખી) થવાની શક્યતા છે. દરિયાઈ પેરામીટર્સ સાનુકૂળ રહેતા આ વર્ષે ગુજરાતમાં ચોમાસું સારું રહેવાની પ્રબળ શક્યતા છે. આગામી 15 જાન્યુઆરી સુધી ગુજરાતમાં કોલ્ડ વેવની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર હાલ ગુજરાતમાં ઉત્તર-પૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાય છે. આવનારા 5 દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં જોવા મળે તે પછી બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધી શકે છે.
આગામી 5 દિવસ લધુતમ તેમજ મહત્તમ તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો સામાન્ય વધારો ઘટાડો જોવા મળી શકે છે. ઉત્તર-પૂર્વથી ફૂંકાઈ રહેલા વાયરાને કારણે કડકડતી ઠંડી પડશે. જેના કારણે વહેલી સવારે અને મોડીરાત્રે લોકો કડકડતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારમાં રાત્રિના સમયે તાપમાનનો પારો ગગડી શકે છે, આગામી સમયમાં પવનની દિશા ફેરફાર થશે જેથી તાપમાનમાં પણ વધઘટ થઈ શકે છે.
ખેડૂતો માટે રાહતની વાત એ છે કે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 9 જાન્યુઆરી સુધી રાજ્યમાં માવઠાના કોઈ સંકેત નથી, વાતાવરણ ઠંડુ અને શુષ્ક રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં ઉત્તર-પૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે.