કોરોના મહામારી બાદ ઘણી વસ્તુઓના ભાવમાં ભડકો થયે છે. એ જ રીતે દેશમાં લોકડાઉન બાદ મુંબઈ અને આસપાસના વિસ્તારમાં જમીનના ભાવમાં પણ મોટો ઉછાળો આવ્યો છે. આ વાતનું તાજુ જ ઉદાહરણ હાલમાં જોવા મળ્યું છે. મુંબઈ નજીક અલીબાગમાં ભાવ વધારાનીની ઘણી અસર જોવા મળી છે. હાલમાં જ આ વિસ્તારમાં ગામને અડીને આવેલા બીચ પર 6 એકરમાં ફેલાયેલું ઘર 80 કરોડ રૂપિયામાં વેચવામાં આવ્યું છે. રિપોર્ટ અનુસાર, એક પારસી બિઝનેસ પરિવારે પોતાની સંપત્તિ અબજોપતિ રાધાકિશન દામાણીની પત્ની શ્રીકાંતદેવી દામાણીને વેચી દીધી છે, જેમણે રિટેલ કિંગ અને શેરબજારના રોકાણકાર તરીકે દેશમાં પોતાની ઓળખ બનાવી એ વાત કોઈથી છુપી નથી.
ડી-માર્ટના સ્થાપક રાધાકિશન દામાણીએ ગયા વર્ષે દક્ષિણ મુંબઈના મલબાર હિલ્સમાં રૂ. 1,001 કરોડનું ઘર ખરીદ્યું હતું. આ ઘર દેશનો સૌથી મોંઘો બંગલો હોવાનું કહેવાય છે. દામાણીએ તેમના નાના ભાઈ ગોપીકિશન દામાણી સાથે આ બંગલો ખરીદ્યો હતો. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે દામાણી પરિવારે અલીબાગમાં મોટું રોકાણ કર્યું છે. રાધાકિશન દામાણીએ 2015 માં 138 કરોડ રૂપિયામાં ફાઇવ સ્ટાર રેડિસન બ્લુ રિસોર્ટ એન્ડ સ્પા ખરીદ્યો હતો. સ્થાનિકોનું કહેવું છે કે આ પરિવાર પાસે જીરાડ ગામમાં 20 એકરમાં ફેલાયેલું વિશાળ ફાર્મહાઉસ પણ છે.
તો વળી સુત્રો દ્વારા એવી પણ માહિતી મળી રહી છે કે લોકડાઉન દરમિયાન, મોટા બગીચાઓમાં ચાલતા, બીચ પર જોગિંગ અથવા સ્વિમિંગ કરતા પરિવારોની પોસ્ટથી સોશિયલ મીડિયામાં ઉભરો આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે પણ મઝ ગામમાં 22 કરોડ રૂપિયામાં ઘર ખરીદ્યું છે. તાજેતરમાં મુંબઈ અને માંડવા વચ્ચે રોલ-ઓન રોલ-ઓફ ફેરી સર્વિસ શરૂ કરવામાં આવી ત્યારથી માંડવામાં જમીનની કિંમતો પણ 50 ટકા વધી ગઈ છે.
સાથે જ વાત કરીએ તો દક્ષિણ મુંબઈમાં મલબાર હિલ્સના નારાયણ દાભોળકર માર્ગ પર આવેલો 'મધુકુંજ' નામનો આ બંગલો 1.5 એકરથી વધુ વિસ્તારમાં ફેલાયેલો છે અને તેનો કુલ બિલ્ટ-અપ એરિયા લગભગ 61,916 ચોરસ ફૂટ છે. આ બંગલો ખરીદવા માટે રાધાકિશન દામાણીના પરિવારે 30 કરોડની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવી પડી હતી. દામાણીએ તેમના નાના ભાઈ ગોપીકિશન દામાણી સાથે મળીને આ બંગલો ખરીદ્યો છે.