છેલ્લા 15 દિવસમાં રાજ્યના સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં નોંધપાત્ર વરસાદ પડી ચૂક્યો છે. જો કે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં હજુ મેઘરાજા મનમૂકીને વરસ્યા નથી. અષાઢ મહિનાના 10 દિવસ પણ વીતી ગયા છે, ત્યારે હવે ચોમાસુ જમાવટ કરી રહ્યું છે. આગામી 48 કલાક સુધી એટલે કે 17 અને 18 જુલાઈના રોજ મેહુલિયો ક્રિઝ પર ટકીને બરાબરની બેટિંગ કરવા તૈયાર છે.
હવામાન વિભાગની આગાહી
આ બે દિવસ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ ઉભી થવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે બે દિવસ સુધી કેટલાક વિસ્તારોમાં અતિ ભારે અને ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. તો બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ પૂર આવે એવો વરસાદ પડવાનું પૂર્વાનુમાન કર્યું છે.
અંબાલાલ પટેલની આગાહી
આ અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના દક્ષિણ ગુજરાતના અતિભારે વરસાદને પગલે પૂર આવવાની શક્યતા છે. જેમાં ડાંગ, વલસાડ, આહવા, સુરત, સહિતના દક્ષિણ ભાગના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે. અમદાવાદના લાંભા, નારોલ, સરખેજમાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, રાજકોટ, હળવદ, ધ્રાંગધ્રા, થાન, ચોટીલા, લીંબડી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ રહેશે.
પરેશ ગોસ્વામીની આગાહી
જ્યારે હવામાન એક્સપર્ટ પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે 16 જુલાઈ 2024થી 20 જુલાઈ 2024 સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ છે. બીજી તરફ ગુજરાતના અમુક જિલ્લાઓમાં અતિ તીવ્રતા સાથે 15 ઇંચથી વધુ વરસાદ નોંધાઈ શકે છે. જેનું મુખ્ય કારણ છે હાલ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ તૈયાર થઈ છે. જેના કારણે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત અને અરબ સાગરના ઘણા ભાગોમાં સાઇક્લોનિક સરક્યુલેશન બની રહ્યું છે. આ પરિસ્થિતિને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતાઓ દેખાઈ રહી છે.
મેઘરાજા સૌરાષ્ટ્રને ધમરોળશે
પરેશ ગોસ્વામીએ આગળ કહ્યું જ્યારે સૌરાષ્ટ્રના જામનગર, દ્વારકા પોરબંદર ગીર સોમનાથ,જુનાગઢ અને અમરેલી પંથકમાં 10 થી 15 ઇંચ સુધીનો અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ છે. જ્યારે આગામી 16,17 અને 18 જુલાઈના સારો વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે. આગામી તારીખ 17 અને 18 જુલાઈના કચ્છ જિલ્લામાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ દેખાઈ રહી છે. જેમાં ખાસ કરી દરિયાઈ કાંઠા વિસ્તારમાં અતિ તીવ્રતા સાથે વરસાદ પડવાની શક્યતાઓ છે.