khissu

અંબાલાલ પટેલની પહેલા દિવસની આગાહી સાચી પડી, જાણો હવે નવરાત્રિના બીજા દિવસે મેઘરાજા ક્યાં ખાબકશે?

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે શનિવારે વરસાદ અંગેની આગાહી કરતા જણાવ્યુ હતુ કે, 16 અને 17 ઓક્ટોબરના રોજ કમોસમી વરસાદની આગાહી છે. આ દિવસોમાં અમદાવાદ, આણંદ, મહિસાગર, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા વિસ્તારમાં વરસાદની શક્યતા છે. 

પહેલા નોરતે અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયેલો હતો. દાહોદમાં વરસાદી માહોલ છવાતા ખૈલેયાઓના ગરબામાં ભંગ પડ્યો હતો. આ સાથે અરવલ્લીમાં પણ વરસાદી માહોલ છવાયો હતો.

આજે નવરાત્રીનો બીજો દિવસ છે. ત્યારે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યનાં કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. પહેલા નોરતે પણ અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદે ખેલૈયાઓના રંગમાં ભંગ પાડ્યો હતો. 

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે, આજે 16મી ઓક્ટોબરના રોજ ઉત્તર ગુજરાતના અરવલ્લી અને મહીસાગર અને બનાસકાંઠામાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની સંભાવના છે. જ્યારે બાકી જિલ્લાઓમાં હવામાન સૂકું રહેશે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી 17, 18, 19 અને 20મી ઓક્ટોબરે વરસાદની કોઇ આગાહી નથી. રાજ્યના તમામ જિલ્લાઓમાં હવામાન સૂકુ રહેવાની સંભાવના છે. પહેલા નોરતે અરવલ્લી જિલ્લાના અનેક તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. 

જેમાં માલપુર, મોડાસા અને મેઘરજ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયેલો હતો. ત્યારે આજે જોવાનું રહ્યું કે ક્યા જિલ્લામાં અને કેવો વરસાદ આવે છે.