આણંદની કૃષિ યુનિ. નાં હવામાન વિભાગે ચોમાસાને લઈને મોટી આગાહી કરી છે. તેને આગાહી કરતાં જણાવ્યુ હતું કે ગુજરાતમાં આ વર્ષે 20 જૂનથી ચોમાસુ સક્રિય થશે, તો ગુજરાત હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતના વિસ્તારોમાં ભારે પવન ફુંકાવાની આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં દરિયામાં તોફાની પવનની આગાહી કરવામાં આવી છે.
જો કે આગામી 5 દિવસ સુધી ભારે પવન ફુંકાવાની શક્યતાઓ સેવાઇ રહી છે. જેને પગલે પોરબંદર પંથકના સાગર ખેડુ તેમજ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના પણ આપવામાં આવી છે.
આ વર્ષે ચોમાસુ કેવું રહેશે: હવામાન વિભાગે જણાવ્યુ હતું કે દેશમાં જૂનથી સપ્ટેમ્બર સુધીના 4 મહિનાનાં ગાળામાં 103 ટકા વરસાદ થવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં હવામાન વિભાગે 4 ટકા એરર માર્જીન રાખ્યું છે.એટલે 4 ટકા કરતા વધારે કે ઓછો વરસાદ થઈ શકે છે. ગુજરાત સહિત દેશના મોટભાગના વિસ્તારોમાં સામાન્ય કરતા પણ સારો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.
આ પહેલા એપ્રિલમાં જારી કરેલા અનુમાન મુજબ દેશમાં લાંબા ગાળાની સરેરાશ પ્રમાણે 99 ટકા વરસાદ થવાની શક્યતા છે. નોંધનિય છે કે ગુજરાતમાં જૂન મહીનામાં સામાન્ય કરતાં પણ સારો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.
ગુજરાત ચોમાસુ ક્યારે ? : ગુજરાતમાં ચોમાસુ શરૂ થવાની સત્તાવાર તારીખ 15 જૂન છે. કેરળમાં ચોમાસુ શરૂ થાય તેના 15 દિવસ બાદ ગુજરાતમાં ચોમાસુ પહોંચી જતું હોય છે. કેરળમાં 29 મેં ના રોજ પહોંચેલું ચોમાસુ હાલ આગળ વધીને કર્ણાટકના કેટલાક વિસ્તારો સુધી પહોંચી ગયું છે. હાલની પરિસ્થિતિ જોતા એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે 2 કે 3 દિવસ પછી ચોમસુ મહારાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં પહોંચી જશે.