વહેલી સવારથી જ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ધુમ્મસભર્યું વાતાવરણ છવાયેલું રહ્યું હતુ. જે બાદ મોડી સાંજે કેટલાક વિસ્તારોમાં સામાન્ય ઝાપટાં પણ પડ્યા છે. આવતીકાલે પણ ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ અને તોફાની પવન સાથે વરસાદ પડે તેવી શક્યતા છે.
આ સાથે જ ઉત્તરના પર્વતીય પ્રદેશોમાંથી એક પછી એક પશ્ચિમી વિક્ષોપ પસાર થઈ રહ્યા છે. આ બન્ને પરિબળોના કારણે રાજસ્થાનના ઉત્તર-મધ્ય ભાગ પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે.
આ સાયક્લોનિક સર્ક્યુલેશનને બંગાળની ખાડી તરફથી પુરતો ભેજ મળી રહ્યો છે. જેના પરિણામે તે વધારે શક્તિશાળી બન્યું છે. જેથી આગામી 2-3 દિવસ સુધી ગુજરાતમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી શકે છે. આ દરમિયાન કેટલાક ભાગોમાં માવઠાના ઝાપટા પણ પડી શકે છે.
જો કે રાજસ્થાન અને મધ્ય પ્રદેશની સરહદને અડીને આવેલા તાલુકાઓમાં ઠંડર સ્ટ્રોમ એક્ટિવિટી જોવા મળી શકે છે. આથી અહીં ગાજવીજ અને તોફાની પવન સાથે માવઠું પડશે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના પાટણ, મહેસાણા, બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠા ઉપરાંત દાહોદ, છોટા ઉદેપુર, મહીસાગર અને દાહોદ જિલ્લામાં તીવ્રતા સાથે માવઠુ પડી શકે છે.
દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત, તાપી, વલસાડ, ડાંગ અને નવસારી તેમજ કચ્છ અને સૌરાષ્ટ્રમાં માવઠાની શક્યતા નહીવત છે. જો કે કચ્છના રાપર ઉપરાંત સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર અને અમરેલીના એકાદ સેન્ટરમાં સામાન્યથી મધ્યમ ઝાપટા પડશે. જો કે આ દરમિયાન આ તમામ જિલ્લાઓમાં ધુમ્મસભર્યું વાતાવરણ રહેવાથી વિઝિબિલિટી ડાઉન થશે. આમ 2024નું વર્ષ વિદાય લેતા-લેતા માવઠાથી ગુજરાતને ભીંજવશે, જે ખેડૂતો માટે ચિંતાનો વિષય જરૂર છે.