ગાત્રો થીજવતી ઠંડી, કમોસમી વરસાદ, બરફના તોફાનો અંગેની આગાહી, જાણો અંબાલાલ પટેલની આગાહી

ગાત્રો થીજવતી ઠંડી, કમોસમી વરસાદ, બરફના તોફાનો અંગેની આગાહી, જાણો અંબાલાલ પટેલની આગાહી

ગુજરાતમાં હવે પવનના સુસવાટા સાથે ઠંડીનું જોર વધી રહ્યું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનનો પારો 15 ડિગ્રીથી નીચે જઈ રહ્યો છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના વાતાવરણ અંગે અનેક આગાહીઓ કરી છે. તેમણે જણાવ્યું છે કે, રાજ્યમાં વાદળછાયા વાતાવરણ સાથે કમોસમી વરસાદ થવાની અને ગાત્રો થીજવતી ઠંડી પડવાની સંભાવના છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ન્યુઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું છે કે, આગામી 72 કલાકમાં ગુજરાતના ભાગમાં મહત્તમ તાપમાન વધી શકે છે. 17થી 26 ડિસેમ્બરમાં દિવસના ઠંડી ગાયબ થઈ ગઈ હોય તેવો અહેસાસ થશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં 26થી 28 ડિગ્રી આસપાસ, મધ્ય ગુજરાતમાં 28થી 30 ડિગ્રી, દક્ષિણ ગુજરાતમાં 28થી 31 ડિગ્રી, સૌરાષ્ટ્રના ભાગમાં 26થી 30 ડિગ્રી આસપાસ તાપમાન રહેશે. કચ્છમાં મહત્તમ તાપમાન 28 ડિગ્રી આસપાસ તાપમાન રહેશે અને વાદળછાયું વાતાવરણ રહેશે.

આ સાથે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 16થી 24 ડિસેમ્બર પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વાદળો આવશે અને 4 જાન્યુઆરી સુધીમાં વરસાદી છાંટા થવાની શક્યતા છે. ડિસેમ્બરના એન્ડમાં મધ્યમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને ગાત્રો થીજવતી ઠંડી પડવાની શક્યતા રહેશે.

હવામાન નિષ્ણાતે વધુમાં જણાવ્યું કે, જાન્યુઆરીના શરૂઆતમાં વાદળછાયું અને વરસાદી છાંટા થવાની શક્યતા રહેશે. 14 જાન્યુઆરી બાદ હવામાનમાં મોટા પલટા આવશે. ઉત્તર ભારતના ભાગોમાં બરફના તોફાનો, કમોસમી વરસાદ, અને ગુજરાતના ભાગોમાં વાદળછાયું અને કમોસમી વરસાદની શક્યતા છે. નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાના કારણે સૂર્યપ્રકાશ સીધો જમીન પર આવતા દિવસનો ભાગ તપતા દિવસે ગરમી રહેશે. સવારના ભાગોમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં નીચું તાપમાન રહેવાની શક્યતા રહેશે.

તેમણે વધુમાં જણાવ્યું છે કે, બંગાળની ખાડીમાં 26 ડિસેમ્બર બાદ એક લો પ્રેશર બનશે. જેના કારણે અરબ સાગરના ભેજના કારણે 26 ડિસેમ્બરથી જાન્યુઆરીની શરૂઆતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ન આવે તો તેની અસર છે. લાંબા ગાળે ગ્લેશિયર પીગળવાની શક્યતાઓ રહેશે. જેના કારણે હિમાલયમાંથી નીકળતી નદીઓ પર તેની અસર થઈ શકે છે.