Todays Forecast: હાલમાં રાજ્યમાં બેવડી ઋતુ જોવા મળી રહી છે. દરિયાકિનારાની વાત કરીએ તો પવનની ગતિ 15થી 20 પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. ઉત્તર ગજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પૂર્વોત્તર દિશાથી ફૂંકાશે જ્યારે દક્ષિણ ગુજરાતમાં પૂર્વ દિશાથી પવન ચાલશે. સવારે અને સાંજે ઠંડી તો બપોરે ગરમી જોવા મળી રહી છે. ત્યારે આ બધાની વચ્ચે હવામાન વિભાગે ઉનાળામાં ગરમીને લઈ નવી આગાહી કરી છે.
હવામાન વિભાગે માર્ચના અંત સુધીમાં રાજ્યનું તાપમાન 40 ડિગ્રીએ પહોંચવાની આગાહી કરી છે. હવામાન વિભાગના અભિમન્યુ ચૌહાણે જણાવ્યુ છે કે, ગુજરાતમાં આગામી પાંચ દિવસ હવામાન શુષ્ક રહેશે. રાજ્યમાં પાંચ દિવસમાં ધીરે ધીરે તાપમાન વધશે. પાંચ દિવસમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધે એવું જોવામાં આવી રહ્યું છે.
હવામાન વિભાગે કહ્યું કે આગામી સપ્તાહમાં પણ તાપમાન વધીને 40 ડિગ્રીને આંબી જવાનું અનુમાન છે. રવિવારે નોંધાયેલા મહત્તમ તાપમાનમાં સૌથી વધુ તાપમાન નલિયામાં 38 ડિગ્રી નોંધાયુ હતુ. જ્યારે સૌથી નીચું તાપમાન 29.2 ડિગ્રી દીવમાં નોંધાયુ છે. આ સાથે અમદાવાદમાં 36.8 ડિગ્રી અને ગાંધીનગરમાં 36 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.
સોમવારના તાપમાનની આપણે વાત કરીએ તો 11 શહેરમાં 36 ડિગ્રીથી વધુ સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયુ હતુ. જેમા સૌથી વધુ રાજકોટમાં 39.1 ડિગ્રી તાપામાન નોંધાયુ હતુ. હવામાન વિભાગે આગાહીમાં વાત કરી કે માર્ચના અંત સુધીમાં તાપમાન 40 ડિગ્રી સુધી જવાની શક્યતા છે.