રાજ્યમાં ત્રીજા રાઉન્ડનાં અંતે સારા એવા પ્રમાણમાં વરસાદ પડ્યો છે. થોડા સમયનાં વિરામ બાદ આવતીકાલથી વરસાદનો ચોથો રાઉન્ડ શરૂ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારે 13 ઓગસ્ટ સુધી રાજ્યનાં અનેક વિસ્તારમાં વરસાદની શક્યતા છે. તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદ રહેશે. તેમજ જુલાઈની સરખામણીએ ઓગસ્ટમાં ઓછો વરસાદ નોંધાશે.
રાજ્યમાં સિઝનનો ક્યાં ઝોનમાં કેટલો વરસાદ પડ્યો
રાજ્યમાં સિઝનનો કુલ 79.33 ટકા વરસાદ પડ્યો છે. જેમાં કચ્છ ઝોનમાં 135.80 ટકા, સૌરાષ્ટ્રમાં 109.04 ટકા, ઉત્તર ગુજરાતમાં 66.85 ટકા, દક્ષિણ ગુજરાતમાં 70.50 ટકા, પૂર્વ- મધ્ય ગુજરાતમાં 63.47 ટકા વરસાદ પડ્યો છે. ત્યારે સીઝનનો સૌથી વધુ વરસાદ કચ્છ ઝોનમાં જ્યારે સૌથી ઓછો વરસાદ પૂર્વ મધ્ય ગુજરાત ઝોનમાં પડ્યો છે.
રાજ્યનાં 207 જળાશયોમાં 72.26 ટકા જેટલો જળસંગ્રહ
જળસંગ્રહની સ્થિતિમાં રાજ્યમાં 207 જળાશયોમાં અત્યાર સુધી 72.06 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જેમાં સરદાર સરોવર યોજનામાં કુલ જળસંગ્રહ શક્તિનાં 75.19 ટકા જેટલો સંગ્રહ થયો છે. 100 ટકાથી વધુ જળસંગ્રહ થયો હોય તેવા 65 જળાશય, 90 થી 100 ટકા જળસંગ્રહ થયો હોય તેવા 27 જળાશય, 80 થી 90 ટકા જળસંગ્રહ થયો હોય તેવા 27 જળાશય જ્યારે 70 થી 80 ટકા જળસંગ્રહ થયો હોય તેવા 9 જળાશય છે.
પરેશ ગોસ્વામી દ્વારા આગાહી કરાવી છે કે અત્યારે બંગાળની ખાડીમાં કે અરબી સમુદ્રમાં કોઇ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. જેથી સમગ્ર રાજ્યમાં હાલ વરાપનો માહોલ છે. હાલ IOD ફેવરેબલ નથી તેથી ઓગસ્ટમાં વરસાદનો ગેપ પડી રહ્યો છે. જો કે હજી પણ આ વરાપ લાંબી ચાલે તેવી આગાહી કરી છે. 18,19,20,21 એ વરસાદની શક્યતા છે પરંતુ સમગ્ર રાજ્યમાં નહીં હોય. 20 તારીખ સુધી વરસાદ નહીં થાય તો પાણી વાળવાની તૈયારી રાખવી પડશે.