હોળી દિનનો કરો વિચાર
શુભ અશુભ ફળ સાર,
પશ્વિમનો વાયુ વાય
એજ સમય સારો કહેવાય.
મિત્રો, હોળી માટે ખૂબજ પ્રખ્યાત ભડલી વાકય આપને ઉપર જણાવ્યું છે. વાકયમાં જણાવ્યું છે કે હોળી નો પવન જો પશ્ચિમ તરફ વાય તો વર્ષ સારું થાય. આપને જણાવી દઇએ કે પ્રાચીન પરંપરા મુજબ હોળીના પવન પરથી આવનાર ચોમાસું કેવું રહશે તેમનું અનુમાન લગાવવામાં આવતું હોય છે.
હોળીની ઝાળ કઈ દિશામાં જાય તેમનાં પરથી અનુમાન
ઉતાસણીમાં શુભ મુહૂર્તમાં પ્રગટાવેલ હોળીની જાળ કઈ દિશામાં જાય છે તેમના પરથી ચોમાસુ કેવું રહેશે તેનું અનુમાન લગાવવામાં આવતું હોય છે.
હોળીનો પવન દિશા અને વર્ષ કેવું થાય તેમની યાદી
1) જો પશ્વિમ દિશાનો પવન હોય અને હોળીની ઝાળ પૂર્વ દિશામાં જાય તો બાર આની વર્ષ થાય.
2) જો પૂર્વ દિશાનો પવન હોય અને હોળીની ઝાળ પશ્વિમ દિશામાં જાય તો આઠ આની ચોમાસું થાય.
3) જો ઉત્તર દિશાનો પવન હોય અને હોળીની ઝાળ દક્ષિણ દિશામાં જાય તો પાણીની અછત સર્જાય
4) જો દક્ષિણ દિશાનો પવન હોય અને હોળીની ઝાળ ઉત્તર દિશામાં જાય તો ધાન્ય ઘણું પાકે છે.
5) જો ઈશાન ખૂણાનો પવન હોય અને હોળીની ઝાળ નૈઋત્ય ખૂણાનો જાય તો રોગ જીવાત બધું આવે.
6) જો નૈઋત્ય ખૂણાનો પવન હોય અને હોળીની ઝાળ ઈશાન ખૂણાનો જાય તો સોળ આની વર્ષ થાય.
7) જો અગ્નિ ખૂણાનો પવન હોય અને હોળીની ઝાળ વાયવ્ય ખૂણાનો જાય તો પવન સાથે વરસાદ તૂટી પડે છે.
8) જો વાયવ્ય ખૂણાનો પવન હોય અને હોળીની ઝાળ અગ્નિ ખૂણાનો જાય તો તડકો - વરસાદ ઘાલમેલ થાય એટલે કે બંને પડ્યા કરે.
9) જો હોળીની જાળ ઉપર ને ઉપર ચડે તો યુદ્ધ લડાઈ થાય.
10) અને જો હોળીની જાળ ચોતરફ ફેલાઈ તો વાવાઝોડું કે ધરતીકંપ થાય.
તો મિત્રો તમારા વિસ્તારમાં હોળીનું પ્રાગટય થાય ત્યારે તમારે ખાસ જોવું કે કઈ દિશામાં હોળીની ઝાળ જાય છે એમના આધારે આવનાર ચોમાસા નો વરતારો લગાવી શકો છો.