હાલમાં પોલીસ આંદોલનની ચર્ચા ચારેકોર થઈ રહી છે. ગુજરાતમાં ઠેર-ઠેર પોલીસ અને પોલીસના પરિવારો રોડ પર ઉતરી આવ્યા છે અને ગ્રેડ-પેને લઈ આંદોલન ચાલી રહ્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી શરૂ થયેલી આ લડત હવે ધીરે ધીરે નિર્ણાયક તબક્કા સુધી આવીને પણ ઉભી રહી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં અંદાજે 1 લાખ પોલીસકર્મીઓ છે. જેમાં વર્ગ 3ના કર્મચારીઓ લગભગ 70 હજાર છે કે જેમનું આ આંદોલન છે.
શા માટે આ પોલીસ ભાઈઓ આંદોલન કરી રહ્યા છે એનું કારણ જોઈએ તો કુલ 23 માગણી છે. જેમાં સૌથી મોટી માગ ગ્રેડ પેની છે. બીજી મોટી માગ યુનિયન બનાવવા માટેની મંજૂરીની છે. ગ્રેડ પેની વાત કરીએ તો વર્ગ-3નાં પોલીસકર્મીઓને શરૂઆતના પાંચ વર્ષ માટે માસિક રૂ. 20 હજાર ફિક્સ પગાર રાખવામાં આવે છે. ત્યારબાદ કોન્સ્ટેબલને 1800ના ગ્રેડ પે પ્રમાણે લગભગ 19,500 રૂપિયા જેટલો પગાર મળતો હોય છે. જેમાં 784 રૂપિયા DA એટલે કે ડિયરનેસ એલાઉન્સ, 300 રૂપિયા મેડિકલ એલાઉન્સ, 20 રૂપિયા સાયકલ અલાઉન્સ, 25 રૂપિયા વોશિંગ એલાઉન્સ અને 60 રૂપિયા અન્ય એલાઉન્સ પણ મળવા પાત્ર છે.
આ જ રીતે હેડ કોન્સ્ટેબલનો ગ્રેડ પે રૂ. 2 હજાર છે અને એ ગણિત પ્રમાણે તેમને માસિક પગાર રૂ. 24 હજાર મળે છે. જ્યારે ASIને ગ્રેડ પે રૂ. 2,400 છે, જે મુજબ તેનો મહિનાનો પગાર 29થી 30 હજાર હોય હવે આ જ બાબતમાં કોન્સ્ટેબલોની માગ છે કે, તેમને ગ્રેડ પે 2800 મળવો જોઈએ, આ શક્ય બને તો પગાર વધીને 30 હજારથી પણ વધી શકે છે. આ જ પ્રમાણે હેડ કોન્સ્ટેબલોની 3600ના ગ્રેડ પેની છે. તો તેમનો પગાર 35 હજારથી વધી જાય. જ્યારે ASIના ગ્રેડ પેની માગ 4,200ની છે. આ શક્ય બને તો તેનો પગાર 45 હજાર આસપાસ થાય.
સાથે એ પણ વાત કરી લઈએ કે આ આંદોલન માત્રને માત્ર વર્ગ-3ના પોલીસ કર્મચારીઓનું જ છે. આ પોલીસકર્મીઓમાં કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, ASI, જેલ સિપાઈ, SRP જવાનો અને નશાબંધીના કર્મચારીનો સમાવેશ થાય છે. પોલીસકર્મીઓ આંદોલન કરી શકતાં નથી એટલે તેમના વતી તેમના પરિવારજનોએ બાજી સંભાળી છે. જેમાં તેમના સગા સંબંધીઓ પણ સામેલ થયા છે. આ આંદોલનને કેટલીક સંસ્થાઓ, સમૂદાયો અને રાજકીય નેતાઓનું પણ સમર્થન મળ્યું છે. જો કે આ આંદોલનને સૌથી મોટું સમર્થન તો સોશિયલ મીડિયા યૂઝર્સનું છે.
તો વળી બધાને એ પણ પ્રશ્ન થતો હશે કે અચાનક જ આંદોલન કેમ શરૂ થયું તો એ પાછળનું મુખ્ય એક જ કારણ છે. આ કારણ છે એસટી નિગમના કર્મચારીઓના પગારમાં વધારો. પોલીસકર્મીઓનું કહેવું છે કે, જો એસટીના કર્મચારીઓનો ગ્રેડ પે વધતો હોય તો તેમનો કેમ ના વધે? અને બસ એ રીતે આંદોલનની શરૂઆત થઈ. ધીરે ધીરે આ આંદોલન સમગ્ર ગુજરાતમાં ફેલાઈ ગયું છે. જો કે સરકાર નમતું નથી જોખતી એના પણ કારણો છે. કારણ એ કે, ગ્રેડ પે વધારવામાં આવે તો સરકારી તિજોરી પર નાણાકીય ભાર પડે. બીજુ એ કે, જો પોલીસકર્મીઓનું યુનિયન બને તો ગમે ત્યારે હડતાળો શરૂ થાય અને અરાજકતા ફેલાવાનો પણ ડર રહે.