khissu

વધી ગઇ ભારતીય પાસપોર્ટની વેલ્યૂ! વગર વીઝાએ જાણો કેટલા દેશની કરી શકો છો યાત્રા?

હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સમાં ભારતીય પાસપોર્ટ 7 સ્થાન ઉપર ચઢીને 83મા સ્થાને પહોંચી ગયો છે. આ રેન્કિંગમાં સિંગાપોર અને જાપાન સંયુક્ત રીતે પ્રથમ સ્થાને છે. રેન્કિંગમાં સુધારા સાથે, ભારતીય પાસપોર્ટ ધારકો હવે 59 દેશોમાં વિઝા વિના મુસાફરી કરી શકશે. રેન્કિંગમાં પાકિસ્તાનની હાલત સોમાલિયા અને યમન કરતા પણ ખરાબ છે. ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન (IATA) દ્વારા બહાર પાડવામાં આવેલા ડેટાના આધારે હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટને સ્થાન આપે છે.

કોઈપણ દેશના પાસપોર્ટની મજબૂતાઈ તે દેશના પાસપોર્ટથી વિઝા વગર કેટલા દેશોની મુસાફરી કરી શકાય તેના પર આધારિત છે. હવે ભારતના પાસપોર્ટ પર વિઝા વગર 59 દેશોમાં મુસાફરી કરી શકાશે. વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટની રેન્કિંગમાં સિંગાપોર અને જાપાન સંયુક્ત રીતે પ્રથમ ક્રમે છે. આ બંને દેશોના પાસપોર્ટથી વિશ્વના કુલ 192 દેશોની વિઝા વગર મુલાકાત લઈ શકાય છે.

ભારતીય પાસપોર્ટ ધારકો વગર વિઝાએ ક્યાં જઇ શકશે ?
59 દેશોમાં વિઝા ફ્રી ટ્રાવેલનો અર્થ એ છે કે તમે ભારતીય પાસપોર્ટની મદદથી જ તે દેશોમાં જઈ શકો, ફરવા, રહી શકો. પરંતુ તમને કેટલા દિવસ ક્યાં રહેવાની મંજૂરી આપવામાં આવશે તેની એક સમય મર્યાદા છે. વિઝા વિના મુલાકાત લઈ શકાય તેવા દેશોની જો વાત કરીએ તો  નેપાળ, ભૂતાન, માલદીવ્સ, ફિજી, ઇન્ડોનેશિયા, કતાર, પેલેસ્ટાઇન, મકાઉ, બાર્બાડોસ, બ્રિટિશ વર્જિન આઇલેન્ડ, ડોમિનિકા, અલ સાલ્વાડોર, જમૈકા, નોર્થ સાયપ્રસ, સેનેગલ, સર્બિયા, ત્રિનિદાદ અને ટોબેગો, ટ્યુનિશિયા અને તુર્ક અને કૈકોસ જેવા દેશોનો સમાવેશ થાય છે. આ સિવાય અન્ય ઘણા દેશોનો સમાવેશ થાય છે.

વર્ષ 2006થી થાય છે પાસપોર્ટ રેન્કીંગ
હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2006 થી દર વર્ષે પાસપોર્ટને રેન્કિંગ આપે છે, જે દર્શાવે છે કે વિશ્વમાં કયા દેશોમાં સૌથી વધુ પાસપોર્ટ છે. જો કે, છેલ્લા 16 વર્ષોની વચ્ચે છેલ્લા બે વર્ષથી કોવિડ મહામારીના કારણે, પાસપોર્ટ રેન્કિંગ વધુ મહત્વપૂર્ણ બની ગયું છે. કોવિડ રોગચાળાને કારણે લાદવામાં આવેલા પ્રતિબંધોને પાસપોર્ટની રેન્કિંગમાં સામેલ કરવામાં આવ્યા નથી.