નમસ્કાર ખેડૂત મિત્રો રાજ્યમાં ચોમાસાની આતુરતાથી રાહ જોવાય રહી છે. એવામાં રાજ્યમાં હવામાન વિભાગે કેટલાક ભાગોમાં સામાન્ય અથવા ભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે. હવામાન વિભાગના ડાયરેક્ટ ડોક્ટર મનોરામાં મોહિન્તી એ ગુજરાતમાં ચોમાસુ બેસવાને લઈને આગાહી કરી દીધી છે આવો જાણીએ તેના વિશે...
આજે હવામાન વિભાગે રાજ્યના દક્ષિણ ગુજરાતના દમણ, દાદરા નગર હવેલી તથા ઉત્તર ગુજરાતના દાહોદ અને મહિસાગરમાં હળવાથી સામાન્ય વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. અમદાવાદમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જોકે, છૂટોછવાયો હળવો વરસાદ થવાની શક્યતાઓ છે.
હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ દરમિયાન અમદાવાદ સહિત આણંદ, દાહોદ, ખેડા, પંચમહાલ અને ઉત્તર ગુજરાત તથા દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. વરસાદની સંભાવનાઓ સાથે તાપમાનમાં ઘટાડો થવાની પણ શક્યતાઓ વ્યક્ત કરાઈ છે.
બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બની હોવાની વાત કરીને હવામાન વિભાગે કહ્યું છે કે, બંગાળની ખાડીમાં એક સર્ક્યુલેશન છે જેના પર હવામાન વિભાગ દ્વારા નજર રાખવામાં આવી રહી છે. આ સિસ્ટમની દિશા પ્રમાણે દક્ષિણ-પૂર્વના ચોમાસા અંગેની આગાહી કરવામાં આવશે.
ભારતના ચોમાસા અંગે વાત કરીને ડૉ. મનોરમા મોહંતીએ શુક્રવારે કહ્યું હતું કે, હાલ જે ચોમાસાની લાઈન છે તે રતનાગીરી થઈને જઈ રહી છે. જે ઓડિશાને સ્પર્શ કરી ગયું છે. આગામી થોડા દિવસમાં સમગ્ર ઓડિશામાં ચોમાસું પહોંચી શકે છે. આ સાથે દક્ષિણ ભારતના ભાગોમાં પણ ચોમાસું આગળ વધી શકે છે. ગુજરાતના ચોમાસા અંગે વાત કરતા તેમણે કહ્યું કે હજુ આગામી 5 દિવસ સુધી સંભાવના નથી પરંતુ જો કોઈ અપડેટ્સ હશે તો તે અંગે જાણ કરવામાં આવશે. જો ગુજરાતના ચોમાસા માટે સ્થિતિ સાનુકૂળ બને તો 2-3 દિવસ પહેલા જાણ કરવામાં આવશે.