હવામાન વિભાગ દ્વારા આજે કેટલાંક વિસ્તારોમાં સત્તાવાર રીતે ચોમાસુ બેસવાની આગાહી કરવામાં આવી છે. નૈઋત્યનું ચોમાસુ સતત આગળ વધી રહ્યું છે અને ગુજરાતમાં નિર્ધારિત સમય કરતા બે દિવસ પહેલા ચોમાસુ આ વર્ષે પહોંચી ગયું છે.
દક્ષિણ ગુજરાતમાં સુરત સુધી અને સૌરાષ્ટ્રનાં મહુવા તાલુકાના વિસ્તારો તેમજ ચોરવાડ, વેરાવળ સુધી ચોમાસુ બેસવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
અશોકભાઇ પટેલે ચોમાસાને લઈને આગાહી કરતાં જણાવ્યું છે કે ચોમાસુ આજે દક્ષિણ ગુજરાતના સુરત સુધી અને સૌરાષ્ટ્રનાં માંગરોળ સુધી અને ચોરવાડના દરિયા કિનારા સુધી આગમન થઈ ચૂકયું છે.
હજુ બે દિવસ સુધી ચોમાસુ આગળ વધશે અને સૌરાષ્ટ્રના ભાગોને કવર કરી લેશે. વરસાદને લઇને અશોકભાઇ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે હાલ સમગ્ર રાજ્યમાં પ્રિ મોન્સુન એક્ટિવિટીનાં ભાગ રૂપે ગાજવિજનો માહોલ શરૂ છે. જો કે તે સાર્વત્રિક વરસાદ નથી. હાલ રાજ્યમાં બપોર બાદ અને સાંજના સમયે છૂટા છવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસતો રહેશે.