khissu

આજથી ગુજરાતમાં મેઘરાજાની સત્તાવાર વિદાય, હવે 8 દિવસ સુધી કાળઝાળ ગરમી... જાણો હવામાન વિભાગની નવી આગાહી

Official Departure Of Monsoon: સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરે વાત કરી હતી કે જૂન મહિનામાં રાજ્યમાં 242.96 મિમિ વરસાદ નોંધાયો હતો. જ્યારે જુલાઈમાં 448.73 મિમિટ વરસાદ પડ્યો હતો.. પરંતુ ઓગસ્ટમાં વરસાદે લગભગ વિરામ લીધો હતો. આખા રાજ્યમાંથી ઓગસ્ટ મહિનામાં વરસાદ બ્રેક લેતા તે સમગ્ર મહિનામાં માંડ 25.49 મિમિ વરસાદ પડ્યો હતો. ગત સપ્ટેમ્બર મહિનામાં શરૂઆતના દિવસો બાદથી વરસાદે પાછી હાથતાળી આપી હતી. જેના કારણે સપ્ટેમ્બરમાં વરસાદની સરેરાશ 39.33 મિમિ નોંધાઈ હતી. રાજ્યમાં સિઝનમાં 100 ટકાથી પણ વધુ વરસાદ વરસી ચૂક્યો છે. ત્યારે હવે એક નવી જ આગાહી કરવામાં આવી છે અને રાજ્યમાંથી ચોમાસાની વિદાય થઈ ગઈ છે.

હજુ પણ ક્યાંક ક્યાંક વરસાદની આગાહી કરવામાં આવી છે, પરંતુ આ સંભવિત આગાહી વચ્ચે જો વરસાદની સ્થિતિને જાણીએ તો ગુજરાતમાં ચોમાસાએ સત્તાવાર રીતે વિદાય લીધી છે. આ વર્ષે ચોમાસાએ 8 દિવસ પહેલા વિદાય લીધી છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 8 દિવસ સુકા હવામાનની આગાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગત 8 જૂને કેરળમાં ચોમાસું પ્રવેશ્યું હતું. કેરળથી ચોમાસાની એન્ટ્રી થયા બાદ ગુજરાતમાં ચોમાસુ 26 જૂને આવ્યું હતું. જે બાદ તા.25 સપ્ટેમ્બરથી રાજસ્થાનથી ચોમાસાની વિદાય શરૂ થઈ હતી.

વિગતો મળી રહી છે કે સમગ્ર ગુજરાતમાંથી ચોમાસુ પૂરું થવાની નોર્મલ તા. 5 ઓક્ટોબર છે જે એકંદરે જળવાઈ છે. ત્રણ દિવસ પહેલા એટલે કે 4 ઓક્ટોબરે રાજ્યના મોટાભાગના વિસ્તારમાંથી ચોમાસાની વિદાય બાદ હવે સૌરાષ્ટ્રના કાંઠાળ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાંથી વિદાય જાહેર થવા સાથે સમગ્ર રાજ્યમાં ચોમાસાની પૂર્ણાહુતિ થઈ છે અને ખેડૂતો પણ ચિંતામાં મુકાતા જોવા મળી રહ્યા છે.

જો કે અંબાલાલની આગાહી વિશે વાત કરીએ તો આગામી નોરતામાં વરસાદ પડવાની શક્યતા છે અને જેથી લોકો ચિંતાતુર કર્યા છે. નવરાત્રીની રઢિયાળી રાતોની રંગતને વરસાદ બગાડશે તેવી સંભાવનાના પગલે ખેલૈયાઓ મૂંઝવણમાં મુકાઈ ગયા છે. તો વળી દિવાળી અને નવા વર્ષે પણ અંબાલાલે વરસાદની આગાહી કરી છે.