ચોમાસાની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. આ વચ્ચે ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. સત્તાવાર ચોમાસાના આગમન માટે હજુ રાહ જોવી પડશે. હવામાન વિભાગે લેટેસ્ટ અપડેટ આપતા જણાવ્યું કે, રાજ્યમાં 5 દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી છે. રાજ્યમાં આગામી પાંચ દિવસમાં કેટલાક સ્થળોએ વરસાદની સંભાવના રહેશે. પરંતુ સત્તાવાર ચોમાસાની સીઝન માટે હજી થોડી રાહ જોવી પડશે. એટલે કે, ગુજરાતમાં વરસાદ તો પડશે, પરંતુ તે વરસાદ ચોમાસાનો નહિ હોય. સત્તાવાર સીઝન માટે હજી ગુજરાતીઓને રાહ જોવી પડશે.
પાંચ દિવસ વરસાદ રહેશે
હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ ચોમાસાની આગાહી અંગે જણાવ્યું કે, રાજ્યમાં આગામી પાંચ દિવસમાં કેટલાક સ્થળોએ વરસાદની સંભાવના રહેશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ડાંગ, તાપી, નર્મદા, છોટાઉદેપુરમાં સામાન્ય વરસાદની સંભાવના છે. તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં બે દિવસ બાદ વરસાદ પડે તેવી શક્યતા છે.
ચોમાસા માટે રાહ જોવી પડશે
તેમણે જણાવ્યું કે, આ જે વરસાદ છે, તે ભેજના કારણે છે. ભેજના કારણે વરસાદ પડવાની શક્યતા રહેલી છે. પરંતુ અમદાવાદમાં ગરમીથી કોઈ રાહત નહિ મળે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે, વરસાદની શક્યતા નહિવત છે. ગુજરાતને સત્તાવાર ચોમાસા માટે હજુ પણ પાંચ દિવસ રાહ જોવી પડશે. સમગ્ર રાજ્યમાં અત્યાર સુધીમાં 18 ટકા જેટલો વરસાદ વરસ્યો છે.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી ની આગાહી
અત્યારે ચોમાસું થોડું નબળું પડ્યું છે. આગામી 48 કલાકમાં ચોમાસું મજબૂત બની આગળ વધશે. અત્યારે ચોમાસું ગોવાથી આગળ વધી રહ્યું છે. આગામી 22થી 25 જૂન વચ્ચે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે. ચોમાસાની શરૂઆત થોડી નબળી હશે. 28 જૂન સુધી મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ થશે. જે બાદ ગુજરાતમાં વરસાદનો મોટો રાઉન્ડ શરૂ થશે. 28થી 3 જુલાઈ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.