khissu

ગુજરાતીઓ અસલી મોંઘવારી માટે તૈયાર રહેજો, એક 100ની અને એક 50ની લઈને જશો ત્યારે માંડ એક લિટર ઈંધણ મળશે!

મોંઘવારી સાથે લોકોને જાણે હવે પનારો પડી ગયો હોય એવી સ્થિતિ હાલમાં જોવા મળી રહી છે. કારણ કે દિન પ્રતિદિન દરેક વસ્તુઓના ભાવમાં મોટો વધારો ઝીંકવામાં આવી રહ્યો છે, એમાં પણ દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત નવી ઊંચાઈએ પહોંચી છે. ઓઇલ કંપનીઓએ બે દિવસના વિરામ બાદ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ફરી વધારો કર્યો છે. દેશની રાજધાની નવી દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં લીટરે 35 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે જ નવી દિલ્હીમાં પેટ્રોલની કિંમત 107.94 રૂપિયા પ્રતિ લીટર થઈ છે, જ્યારે ડીઝલની કિંમત 96.67 રૂપિયા પ્રતિ લીટર પહોંચી છે.

જો કે હવે બીજી બ્રોકરેજ કંપની ગોલ્ડમેન સાક્સ તરફથી એક અહેવાલ પ્રગટ કરવામાં આવ્યો છે કે જે ખૂબ જ ચોંકાવનારો અને હાજા ગગડાવી નાખે એવો છે. જો આ અહેવાલ સાચો પડે તો આવતા વર્ષે ભારતમાં પેટ્રોલની કિંમત 150 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 140 રૂપિયા પ્રતિ લીટર આસપાસ પહોંચી શકે છે. આ સાથે જ મુંબઈમાં એક લીટર પેટ્રોલની કિંમત હાલમાં 113.80 રૂપિયા અને ડીઝલની કિંમત 104.75 રૂપિયા પ્રતિ લીટર થઈ છે. ચેન્નાઈમાં પેટ્રોલની કિંમત 104.83 રૂપિયા પ્રતિ લીટર થઈ છે. હાલની પરિસ્થિતિ જોઈએ તો દેશના ચાર મેટ્રો શહેરમાં પેટ્રોલ અને ડીઝલની સૌથી વધારે કિંમત મુંબઈમાં જોવા મળી રહી છે.

ઉલ્લેખનીય છે કે વેટના દર અલગ અલગ હોવાથી દરેક રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ફેરફાર હોય છે. આ ઉપરાંત ટ્રાન્સપોર્ટેશન ચાર્જ અલગ અલગ હોવાથી એક જ રાજ્યના અલગ અલગ શહેરમાં ભાવમાં તફાવત પણ હોય શકે છે. અહેવાલ પ્રમાણે ગ્લોબલ ફાઇનાન્સિયલ બ્રોકરેજ કંપની ગોલ્ડમેન સાક્સ તરફથી તાજેતરમાં એક સંશોધન અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે. જેમાં કંપનીએ અંદાજ લગાવ્યો છે કે ક્રૂડ ઓઇલના ભાવ આગામી વર્ષે પ્રતિ બેરલ 110 બેરલની સપાટીએ પહોંચે તો નવાઈ નહીં. આ કિંમત હાલના 85 ડોલર પ્રતિ બેરલની કિંમતથી ૩૦% વધારે છે.

ગોલ્ડમેન્ટ સાક્સના ઓઇલ એનાલિસ્ટોનું માનવું છે કે ક્રૂડ ઓઇલની માંગ અને પુરવઠા વચ્ચે જે અસમાનતા છે તેનાથી ક્રૂડ ઓઇલનો ભાવ આસમાને પહોંચી શકે છે. ક્રૂડ ઓઇલની હાલની માંગ લગભગ કોવિડ પહેલાથી સ્થિતિએ પહોંચી ગઈ છે. આ કિંમતમાં આવતા વર્ષે ઉછાળાની પુરેપુરી સંભાવના જોવા મળી રહી છે. પેટ્રોલ પેદાશો પર જો 30 ટકાનો વધારો થાય તો ભારતમાં આ હિસાબે પેટ્રોલની કિંમત 150 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 140 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી શકે છે. 

દોસ્તો તમામ ઉપયોગી અને મહત્વના સમાચાર, બજાર ભાવ, કાયદાકીય માહિતી વગેરે જાણતા રહેવા Khissu એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો અને સાથે અમારી Khissu ની યુટ્યૂબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી લેજો. આ માહિતી તમને પસંદ આવી હોય તો શેર કરવાનું ભૂલતા નહી.