છેલ્લા ત્રણેક દિવસથી સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતમા વરસાદનું જોર ઘટયુ છે. આજથી લઈને 12 તારીખ સુધીમાં આગાહીનાં સમયગાળામાં વિવિધ સાનુકુળ પરીબળો ઉભા થવાની શકયતા છે. જે મુજબ ચોમાસું ધરીનો પશ્ર્ચિમ છેડો નોર્મલથી દક્ષિણ બાજુ સરકી જશે. આ સિવાય મુંબઈથી પૂર્વ અને પશ્ર્ચિમ એમ બન્ને તરફ 3.1 કીમીની ઉંચાઈનું અપર એર સાયકલોનીક સરકર્યુલેશન સર્જાશે તેના પ્રભાવ હેઠળ એક બહોળુ સરકયુલેશન ઉદભવશે અને ઉતર તરફ અર્થાત ગુજરાત તરફ આગળ વધશે.
આ ઉપરાંત ગુજરાત પર 3.1 કી.મી.ના લેવલનું અપર એર સાયકલોનીક સરકયુલેશન થશે તે મધ્ય અરબી સમુદ્ર સુધી ફેલાશે. આવા ત્રિવીધ પરીબળો ગુજરાતમાં ચોમાસાના વરસાદ માટે ફાયદારૂપ બનશે અને તેની અસરે સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાત એમ સમગ્ર રાજયમાં સાર્વત્રીક વરસાદ થવાની શકયતા છે. આવતીકાલે તા.6 થી 12 જુલાઈની આગાહીનાં સમયગાળા દરમ્યાન રાજયમાં સાર્વત્રીક વરસાદનો સારો રાઉન્ડ રહેવાની સંભાવના છે.કેટલાંક ભાગોમાં આ દરમ્યાન એકથી વધુ રાઉન્ડમાં પણ વરસાદ પડી શકે તેમ છે.
તેઓએ કહ્યું કે રાજયનાં 30 ટકા ભાગોમાં અમુક દિવસ વરસાદ પડશે અને 40 મીમી (અંદાજીત દોઢ ઈંચ) પાણી વરસવાની શકયતા છે. રાજયના 40 ટકા ભાગોમાં ઘણા દિવસ વરસાદ થઈ શકે છે અને 40 થી 80 મીમી (અંદાજીત દોઢથી ત્રણ ઈંચ) પાણી વરસવાની સંભાવના છે.બાકીનાં 30 ટકા ભાગોમાં ઘણા દિવસ વરસાદ થઈ શકે છે અને 80 થી 120 મીમી (અંદાજીત 3 થી 5 ઈંચ) પાણી વરસવાની શકયતા છે.અતિભારે વરસાદ ધરાવતાં સેન્ટરોમાં વરસાદની માત્ર 200 મીમી (આઠ ઈંચ)થી વધુ પણ રહી શકે છે.
હાલની પરિસ્થિતિ મુજબ ચોમાસુ ધરી હાલમાં બીકાનેર, જુના અંબીકાપુર, બાલામોર થઈને મધ્ય બંગાળની ખાડી સુધી લંબાય છે. એક ઈસ્ટ-વેસ્ટ શીયરઝોન અરબી સમુદ્રમાં 4.5 અને 7.6 કીમીના લેવલે ગોવા પર કેન્દ્રીત છે.દક્ષિણ ગુજરાતથી ઉતરીય કેરળ સુધી ઓફશોર ટ્રફ છે. એક અપર એર સાયકલોનીક સરકયુલેશન દોઢથી 7.6 કીમીના લેવલે ઊતર-મધ્ય બંગાળની ખાડી પર છે.તેનો ઝુકાવ દક્ષિણ-પશ્ર્ચિમ તરફ છે.અન્ય એક સરકયુલેશન ઉતર પાકિસ્તાન તથા તેને લાગુ પંજાબ પર દોઢ કીમીનાં લેવલ પર છે.
આજે સવારે પુરા થયેલા ચોવીસ કલાક દરમ્યાન રાજયનાં 44 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. તેમાંથી માત્ર 15 માં 10 મીમીથી વધુ વરસાદ થયો હતો. બીજી તરફ 4 જુલાઈની સ્થિતિએ સૌરાષ્ટ્ર-કચ્છમાં નોર્મલ કરતાં 200 ટકા વધુ અર્થાત 3 ગણો વરસાદ થઈ ગયો છે.માત્ર કચ્છની ગણતરી કરવામાં આવે તો 546 ટકા વધુ વરસાદ પડયો છે. જયારે ગુજરાતમાં 37 ટકા વધુ વરસાદ થયો છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી
અંબાલાલ પટેલે બીજા રાઉન્ડ દરમિયાન અમુક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, તારીખ 7 થી 12 ના રોજ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, બનાસકાંઠાના પાલનપુર, થરાદ અને વાવમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તો કેટલાક વિસ્તારોમાં 8 ઈંચ વરસાદ રહેશે. ત્યાં જ મહેસાણાના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે, જેમાં કોઈ ભાગોમાં 4 ઈંચથી વરસાદ રહેશે. સમી, હારીજ, બેચરાજી, કડી અને ધોચાનામાં અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. વડોદરા આણંદ, સાવલી, કરજણ, અમદાવાદ ઉપરાંત પંચમહાલ અને ગોધરામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ જોવા મળશે. વલસાડ, સુરત અને નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ આવશે, ત્યારે અંદાજે 12 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ આવે તેવી સંભાવના છે. જામનગર અને પોરબંદર જિલ્લામાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરે તેવી સંભાવના છે, ત્યારે જામનગર જિલ્લાના ભાણવડ, ખંભાળિયા અને લાલપુર તાલુકામાં ભારે વરસાદ રહેવાની આગાહી કરવામાં આવી છે.
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 'આ વરસે તો વરસાદનું વહન જબરું છે. કોઈ ભાગમાં તો 12 ઇંચથી વધારે વરસાદ રહેશે. આ વખતે ભારે વરસાદ સૌરાષ્ટ્રના ભાગોમાં રહેશે. ત્યાં 4થી 15 ઇંચ જેટલો વરસાદ પડે તેવી સંભાવના છે, ભારે પવન ફૂંકાશે અને ગાજવીજ સાથે વરસાદ પડે તેવી શક્યતા છે.'