દિલ્હી-એનસીઆરમાં ખતરનાક વાવાઝોડા સાથે વરસાદ, વૃક્ષો થયા ધરાશાયી, ફ્લાઈટને પણ થઇ અસર

દિલ્હી-એનસીઆરમાં ખતરનાક વાવાઝોડા સાથે વરસાદ, વૃક્ષો થયા ધરાશાયી, ફ્લાઈટને પણ થઇ અસર

દિલ્હી-એનસીઆરથી લઈને ઉત્તર પ્રદેશ અને બિહાર સુધી, સવારે હવામાન બદલાઈ ગયું છે. ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યોમાં ક્યાંક હળવો વરસાદ તો ક્યાંક જોરદાર વરસાદ થયો છે. ગરમીનો પારો વધવા વચ્ચે વરસાદે લોકોને ગરમીમાંથી રાહત આપી છે. સાથે જ કેટલીક જગ્યાએ હવામાનનો આ બદલાવ પણ મુશ્કેલીનું કારણ બન્યો છે. ભારે પવન અને ખતરનાક વાવાઝોડા વચ્ચે ઘણા વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા છે. તોફાન અને વરસાદ વચ્ચેના વાતાવરણને કારણે દિલ્હી એરપોર્ટ પર ઘણી ફ્લાઈટને અસર થઈ છે.

IMD અનુસાર, પંજાબ, હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને ઉત્તર રાજસ્થાનના ભાગોમાં પણ આગામી બે દિવસ સુધી હળવો વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. જણાવી દઈએ કે હવામાન વિભાગ (IMD) એ પોતાની આગાહીમાં દિલ્હી-NCRના વિવિધ ભાગોમાં તેજ પવન અને હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી હતી.

દિલ્હીમાં આજે 23 મે, સોમવારના રોજ લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. વાવાઝોડાની વચ્ચે હવામાન વિભાગે બહાર ન નીકળવાની સલાહ આપવાની સાથે અન્ય ચેતવણીઓ પણ જારી કરી છે.

IMD અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગરમીના મોજાથી રાહત છે અને બદલાતા હવામાનને કારણે તાપમાનમાં ઘટાડો થયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી કેટલાક કલાકો સુધી દિલ્હી-એનસીઆરમાં 50 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે.

હવામાનની આગાહી મુજબ દિલ્હીમાં લગભગ એક સપ્તાહ સુધી હીટ વેવની કોઈ શક્યતા નથી. આવી સ્થિતિમાં વધતા તાપમાન અને ગરમીથી થોડી રાહત મળશે. આવી જ તોફાન-વરસાદની પ્રવૃત્તિઓ 24 મે સુધી ચાલુ રહેશે.