રાજ્યમાં આવનાર દિવસોમાં માવઠાની આગાહી કરવામાં આવી રહી છે. ત્યારે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા આવનાર સમયમાં મધ્ય ગુજરાતમાં તાપમાનનો પારો વધવાની આગાહી કરવામાં આવી રહી છે.
આકરી ગરમીની સાથે આ મહિને અનેક જગ્યાએ વરસાદ પણ પડશે. એપ્રિલ મહિનામાં ભાગ્યે જ વરસાદ પડતો હોય છે. પરંતુ આ વખતે સ્થિતિ બદલાશે. આ વરસે એપ્રિલ એટલેકે, ચાલુ માસમાં એક સપ્તાહ બાદ વાતાવરણમાં ભારે ફેરફાર થઈ શકે છે. ભરઉનાળો વરસાદી માહોલ પણ સર્જાઈ શકે છે. ગુજરાત સહિત રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને અન્ય કેટલાક રાજ્યોમાં આ મહિને ભારે વરસાદની સંભાવના છે. ઉત્તર-પશ્ચિમ ભારતના મોટાભાગના ભાગોમાં અને મધ્ય ભારતના ઘણા ભાગો, ઉત્તરી દ્વીપકલ્પ ભારત, પૂર્વ અને ઉત્તર-પૂર્વ ભારતમાં સામાન્ય અથવા સામાન્યથી વધુ વરસાદની શક્યતા છે. એપ્રિલ મહિનામાં પૂર્વ અને પશ્ચિમી દરિયાકાંઠાના વિસ્તારોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડવાની ધારણા છે.
સાથે જ અંબાલાલ પટેલે કહ્યું કે, એપ્રિલ માસમાં ગરમીના પ્રમાણ પણ વધારો થશે. ૨૦ એપ્રિલથી રાજ્યમાં આકરી ગરમીની શરૂઆત થશે. રાજ્યના અનેક ભાગોમાં ગરમીનું પ્રમાણ ૪૩ ડિગ્રી સુધી જઈ શકે છે. તો મે માસમાં પણ રાજ્યના કેટલાક ભાગોમાં ગરમી વધતા લૂ ફૂંકાશે. એપ્રિલ મહિનાના પહેલા અઠવાડિયાની શરૂઆતથી તાપમાનમાં વધારો થવાની આગાહી કરવામાં આવી છે. હાલ તો ઉત્તર ભારતમાં આવી રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગુજરાતમાં તાપમાનમાં સામાન્ય ઘટાડો થયો છે. પરંતું એપ્રિલની શરૂઆત થતા જ વાતાવરણ ફરીથી પલટાઈ જશે. આગામી દિવસમાં ફરી તાપમાન ઊંચું જશે.
રાત્રિ દરમિયાન સામાન્ય તાપમાનનો અનુભવ
વધુમાં જણાવ્યું હતું કે, લઘુતમ તાપમાન જણાવવામાં આવે તો અમદાવાદ શહેરનું છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયેલા લઘુતમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. એટલે કે મહત્તમ અને લઘુતમ તાપમાનમાં 10 ડિગ્રી કરતાં પણ ઓછો તફાવત હોવાથી રાત્રિ દરમિયાન સામાન્ય તાપમાનનો અનુભવ થાય છે. આગામી પાંચ દિવસ પણ આ પ્રકારનું જ વાતાવરણ યથાવત્ રહેવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
તારીખ 12 થી 18 એપ્રિલથી રાજ્યમાં માવઠું થવાની આગાહી કરવામાં આવી છે. માવઠાને કારણે ગરમીમાં ઘટાડો થવાનું જણાવ્યું હતું. 20 એપ્રિલ બાદ રાજ્યમાં ફરીથી આકરી ગરમી પડવાની આગાહી અંબાલાલ પટેલે કરી છે. 26 એપ્રિલ સુધીમાં રાજ્યમાં ગરમીનો પાર 43 ડિગ્રી સુધી પહોંચવાની પણ આગાહી કરી છે.