Top Stories
khissu

ભાડે જમીન લઈને શરૂ કરી ફૂલોની ખેતી, અત્યારે બની ગયા રાજ્યનાં પહેલા ફ્લાવર એમ્બેસેડર ખેડૂત

ભારત એક ખેતી પ્રધાન દેશ છે એ તો બધા જાણે જ છે પરંતુ એક સમય એવો પણ આવ્યો જ્યારે યુવાનો ખેતીથી વિમુખ થવા લાગ્યા અને શહેરમાં આવવા લાગ્યા, પરંતુ ફરિ એકવાર ભણેલા ગણેલા યુવાનો ખેતી તરફ વળ્યા છે. આ યુવાનો હવે પરંપરાગત ખેતી છોડી આધુનિક ખેતી કરી રહ્યા છે.

આજે હજારો યુવાનો ખેતીમાં પોતાનું નસીબ અજમાવી નોકરી કરતા સારી આવક રળી રહ્યા છે. ભારત હવે કોન્ટ્રાક્ટ ફાર્મીંગનો પણ ક્રેઝ વધ્યો છે. આવા જ એક ખેડૂત છે બિલાસપુરના સુનિલ કુમાર, જેમની પાસે જમીન ન હોવા છતા  જમીન ભાડે રાખીને ખેતી કરી અને અન્ય લોકોને નવી રાહ ચિંધી.

ઋષિકેશના રહેવાસી સુનીલ કુમાર હવે હિમાચલ પ્રદેશ સરકારના પ્રથમ ફૂલ(Flower) એમ્બેસેડર ખેડૂત તરીકે પસંદગી પામ્યા છે. કૃષિ અને બાગાયત ક્ષેત્ર સાથે સંકળાયેલા ખેડૂતો માટે આનંદની વાત છે કે હવે સરકારે આ ક્ષેત્રેસારી કામગીરી કરનારા ખેડૂતો અને માળીઓનું સન્માન કરીને બેરોજગાર યુવાનોને આ ક્ષેત્ર તરફ આકર્ષવા પર વધુ જોર આપવાનું શરૂ કર્યું છે.

આ જર્ની અંગે તેમણે કહ્યું કે, લગભગ 20 વર્ષ પહેલા સાંગાસવી ગામમાં ભાડા પર જમીન લીધી અને 1000 ચોરસ મીટરનું ગ્રીનહાઉસ લગાવીને ફુલોની ખેતી કરવાનું શરૂ કર્યું. ત્યાર બાદ તેમણે ઘુમરર્વિમાં ભાડે જમીન રાખીને ત્યાં 3000 ચોરસ મીટરનું ગ્રીન હાઉસ બનાવ્યું, લગભગ 10 વર્ષ સુધી ફૂલોની ખેતી કરી. તમને જણાવી દઈએ કે, હાલમાં હિમાચલ પ્રદેશની પુષ્પ ક્રાંતિ યોજના હેઠળ ઔહર પંચાયતના કાસેહ ગામમાં ભાડા પર જમીન લઈને 7 હજાર ચોરસ મીટર એરિયામાં ગ્રીનહાઉ તૈયાર કરવામાં આવ્યા છે. અહિં તેઓ બીજા લોકોને રોજગારી પણ પુરી પાડે છે.

ભાડે રાખેલી જમીનમાં ફૂલોની ખેતી કરવામાં આવે છે. જેમાં મુખ્ય પાક કાર્નેશન છે, આ ઉપરાંત લિમોનિયમ અને જીપ્સોફિલાનું પણ વાવેતર કરવામાં આવે છે. નોંધનિય છે કે, કાર્નેશનના પ્રથમ કટિંગનું ઉદઘાટન ગયા મહિને કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર દ્વારા કરવામાં આવ્યું હતું. સુનીલ કુમારે કહ્યું કે તેમની મહેનત જોઈને હિમાચલ પ્રદેશ સરકારે તેમને 28મી ડિસેમ્બર 2021ના રોજ પાલમપુર કૃષિ યુનિવર્સિટીમાં હિમાચલ પ્રદેશ પૂર્ણ રાજત્વ સુવર્ણ જયંતિના અવસર પર ઉન્નત અને પ્રેરણા સ્રોત કૃષિદૂત સન્માન પુરસ્કારથી સન્માનિત કર્યા હતા.

આ ઉપરાંત તાજેતરમાં જ, હિમાચલ પ્રદેશનું પ્રથમ ફૂલ બજાર જે પરવાણુમાં કાર્યરત થયું, ત્યાં પણ સુનિલ કુમારને કૃષિ મંત્રી વીરેન્દ્ર કંવર દ્વારા ફૂલ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાજ્ય કક્ષાનો શ્રેષ્ઠતા પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. હાલમાં સુનીલ કુમાર ગ્રોવર ફ્લાવર કાઉન્સિલ ઓફ ઈન્ડિયામાં હિમાચલનું પણ નેતૃત્વ કરી રહ્યા છે.