રાજ્યના કેટલાક વિસ્તારોમાં પ્રિ મોન્સુન અસરના ભાગરૂપે વરસાદ પડ્યો હતો. ચોમાસુ ચારે દિશાની ક્ષિતિજે હવે ડોકિયા કરવા લાગ્યુ છે ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં આગામી ત્રણ દિવસ માટે વરસાદની આગાહી કરી છે.
રાજ્યમાં સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં, દક્ષિણ ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદ ની આગાહી હવામાન વિભાગે કરી છે. આવતી કાલે જૂનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ, ખેડા મહેસાણા, પાટણમાં વરસાદની આગાહી વ્યક્ત કરી છે. જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે વધુમાં જણાવ્યું હતું કે આ વખતે ચોમાસુ અનિશ્ચિત છે. કારણ કે ભારતની પશ્ચિમ દિશામાં ચોમાસા પૂર્વે જ વરસાદ આવી ગયો. આવનારા ચોમાસાને એ હવે નબળું પાડે છે. એ જ રીતે જો ભારતના પૂર્વ કાંઠામા હજુ આગોતરો ચક્રવાત આવી જાય તો પૂર્વોત્તર કાંઠે પણ ચોમાસું નબળુ પડવાની શક્યતા રહે છે. આવા સમય મા શાતા આપે એવા સમાચાર એ છે કે આ વર્ષનું ચોમાસુ સારુ જાય એવા એંધાણ હજુ પણ છે જ. એટલે કિસાનોએ આશાવંત રહેવાનું છે. હવામાન ખાતાનો દાવો છે કે પાછલા વરસો કરતા પણ આ વર્ષે વરસાદ વધુ પડશે. અત્યારે અરબી સમુદ્ર અને હિન્દ મહાસાગરના વરસાદ લાવવા માટે મદદરૂપ એવું પરિવર્તિત વાતાવરણ સર્જાયું છે.