દ્રાક્ષ તો બધાએ જોઈ જ હશે અને ખાધી પણ હશે હે ને ! તો એવું તો શું હશે આ દ્રાક્ષમાં કે જેની આટલી મોંઘી કિંમત. તમે બધાએ કાળી અને લીલી દ્રાક્ષ તો ખાધી જ હશે પરંતુ આ દ્રાક્ષનો કલર કંઈક લાલ જેવો છે. લાલ રંગની આ દ્રાક્ષ ઈ.સ. 1995 માં જાપાનમાં વિકસિત કરવામાં આવી હતી. જાપાનના ઇશિકાવા માં આવેલી 'પ્રીફેકચુરલ એગ્રીકલ્ચર રિસર્ચ સેન્ટર' માં આ દ્રાક્ષ ની પ્રજાતિ વિકસિત કરવામાં આવી. પ્રીફેકચુરલ એગ્રીકલ્ચર રિસર્ચ સેન્ટરે ૪૦૦ જેટલી દ્રાક્ષની શાખાઓ પર બે વર્ષ સુધી પરીક્ષણ કર્યું જેમાંથી માત્ર ૪ શાખાઓમાં લાલ રંગની દ્રાક્ષ આવી અને આ જ દ્રાક્ષમાંથી એક જાત એવી હતી જેણે બધાના દિલ જીતી લીધાં. લાલ રંગની આ દ્રાક્ષ "રૂબી રોમન" તરીકે ઓળખાય છે. રૂબી રોમન ને 'ઇશિકાવાનો ખજાનો' પણ કહે છે. રૂબી રોમન ની એક દ્રાક્ષ નું વજન ૨૦ ગ્રામ છે અને એક ઝૂમખામાં લગભગ ૨૪ દ્રાક્ષ હોય છે. જાપાનમાં લોકો તેના એક ઝૂમખાંના ૭.૫ લાખ રૂપિયા ચૂકવે છે. આટલી બધી ઊંચી કિંમતના લીધે તેને 'અમીર નું ફળ' તરીકે પણ લોકો ઓળખે છે. આ દ્રાક્ષમાં એટલો બધો રસ છે કે એક દ્રાક્ષ થી મોઢું રસરસીલું થઈ જાય છે. જાપાનમાં આ દ્રાક્ષ લક્ઝરી ફળોની શ્રેણીમાં આવે છે અને અમીર લોકો "રૂબી રોમન" કોઇને ગિફ્ટ આપવા માટે પણ ખરીદે છે.