ગુજરાતમાં થોડા દિવસથી કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો હતો. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો ઉંચકાયો છે. આ સાથે વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી આપી છે.
હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક, અભિમન્યુ ચૌહાણે આજની આગાહીમાં જણાવ્યું છે કે, રાજ્યમાં આગામી ચાર દિવસ શુષ્ક હવામાનની સંભાવના છે. અરબ સાગરમાંથી આવતા ભેજને કારણે તાપમાનમાં વધારો નોંધાયો છે. આગામી પાંચ દિવસ તાપમાનમાં આ વધારો જોવા મળી શકે છે. 48 કલાક તાપમાનમાં ધીરે ધીરે વધારો થશે જે બાદ તાપમાનમાં વધારે વધારો નોંધાશે.
તાપમાન વધતાનું કારણ આપતા તેમણે જણાવ્યુ છે કે, અરબ સાગરમાંથી આવતા ભેજને કારણે તાપમાનમાં વધારો નોંધાયો છે. આગામી પાંચ દિવસ તાપમાનમાં આ વધારો જોવા મળી શકે છે. 48 કલાક તાપમાનમાં ધીરે ધીરે વધારો થશે જે બાદ તાપમાનમાં વધારે વધારો નોંધાશે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 26મી તારીખે એટલે કે ગુરુવારે કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી છે.
જ્યારે 28 ડિસેમ્બરે વરસાદનું જોર ઓછું થશે એવું લાગી રહ્યુ છે. 28 ડિસેમ્બરે કચ્છ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની શક્યતા છે
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આજની આગાહીમાં જણાવ્યુ છે કે, 25થી 27 ડિસેમ્બર સુધીમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે. તેના કારણે દેશ સહિત ગુજરાતના ભાગોમાં માવઠું થવાની રહેશે. જાન્યુઆરીની શરૂઆત સુધી વાતાવરણમાં પલટો જોવા મળશે અને મકરસંક્રાંતિ એટલે કે 14 જાન્યુઆરી બાદ પણ વાતાવરણમાં મોટા ફેરફારો આવશે અને માવઠું થવાની શક્યતાઓ રહેશે. મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાત સહિત વાદળો બનવાના લીધે પલટો આવશે.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પોતાની આગાહીમાં જણાવ્યુ છે કે, 25, 26 અને 27 આ ત્રણ દિવસે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં માવઠાની શક્યતાઓ છે. આ માવઠાની અસર રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તારોમાં વધુ જોવા મળશે.
વાવ, થરાદ, ધાનેરા, ઇડર, વડાલી, અમીરગઢ અને ઇકબાલગઢમાં માવઠાની તીવ્રતા વધારે રહેશે. સાથે જ સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં ત્રણેય દિવસ માવઠાના વરસાદની શક્યતાઓ રહેલી છે. અરવલ્લીમાં હળવા સામાન્ય ઝાપટા જ્યારે અમુક સેન્ટરમાં મધ્યમથી ભારે ઝાપટા પડે તેવી શક્યતાઓ છે