ગુજરાતમાં હાલમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. અમદાવાદ જેવા શહેરમં તો બપોરે હિટ વેવ જેવો માહોલ જોવા મળે છે. ત્યારે આગામી 5 દિવસમાં વાતાવરણ કેવું રહેશે એને લઈ હવામાન વિભાગે એક નવી આગાહી કરી છે. હાલમાં વાતાવરણની વાત કરીએ તો માર્ચ મહિનાનાં બીજ અઠવાડિયામાં જ રાજ્યમાં તાપમાનનો પારો 35 ડિગ્રી જતા લોકો ઉનાળાની શરૂઆતમાં જ ત્રાહિમામ પોકારી ગયા અને ત્રાસી ગયા છે.
તો એક વાત એ પણ છે કે ઉત્તર ભારતનાં અમુક વિસ્તારોમાં હિમવર્ષાને કારણે લોકો મિશ્ર ઋતુનો અનુભવ કરી રહ્યા છે. હજુ પણ રાત્રીનાં સમયે લોકોને ઠંડી લાગી રહી છે. તો બપોર બાદ કાળઝાળ ગરમી પડી રહી છે. રાજ્યમાં આગામી 5 દિવસમાં ગરમી વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે જે દરેક ગુજરાતીએ જાણવા જેવી છે.
આજે 16 માર્ચથી તાપમાનમાં વધારો થવાની આગાહી છે. તેમજ રાજ્યમાં પવનની દિશા ઉત્તર પશ્ચિમથી ઉત્તર તરફ છે. 9 શહેરોમાં તાપમાન ઉનાળાની શરૂઆતે 34 ડિગ્રીને પાર પહોંચ્યું છે અને હજુ આજથી વધે તેવી અપેક્ષા પણ છે. રાજ્યમાં તાપમાન સામાન્ય કરતા ઓછું નોંધાઈ રહ્યું છે. તો આવતીકાલથી તાપમાન 2 થી 3 ડિગ્રી વધશે. જેના કારણે લોકોને ગરમીનો વધુ અહેસાસ થશે.
હવામાન વિભાગે વાત કરી કે અમદાવાદમાં તાપમાનનો પારો 38 ડિગ્રી સુધી જઈ શકે છે. તો હાલ રાજ્યમાં પવનની દિશા ઉત્તર પશ્ચિમથી ઉત્તર તરફની છે. સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયામાં 14 ડિગ્રી નોંધાયુ અને સૌથી વધુ મહત્તમ તાપમાન સુરતમાં 35.2 ડિગ્રી નોંધાયુ છે.