ટ્રાફિક પોલીસનું નામ પડે એટલે આપણે મેમો જ યાદ આવે. તમારામાંથી પણ બધાએ એકવાર તો મેમો ભર્યો જ હશે. પરંતુ તમે અત્યાર સુધી કેટલાનો મેમો ભર્યો છે? 50, 100 કે 500 નો જ હશે. પરંતુ આજે જે વાત કરવી છે એ કંઈક હટકે છે અને મેમો ભરવા માટે રાજકોટના શખ્સે કિડની વેચવા સુધીની મંજૂરી પણ માગી લીધી છે. રાજકોટ ટ્રાફિક પોલીસ દ્રારા ટ્રાફિકના નિયમન થાય અને નિયમ ભંગ ન થાય તે માટે હાલમાં ઇ મેમો આપવામાં આવે છે.
થાય છે એવું કે કેટલાક લોકો ઇ મેમો ભરતા નથી જેમા કારણે પોલીસ આવા લોકોના ઘરે પહોંચીને તેને ઇ મેમો ભરવાની તાકિદ કરે છે. ત્યારે હવે રાજકોટમાં ટ્રાફિક મેમો ભરવા માટે એક વ્યક્તિએ પોલીસ પાસે અનોખી જ મંજૂરી માંગી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારના ભારતીનગરમાં રહેતા પરેશ રાઠોડ નામના વ્યક્તિએ પોલીસ કમિશનરને અરજી કરી હતી કે વર્ષ 2018માં ટ્રાફિક મેમોના 5800 રૂપિયા બાકી છે પરંતુ તેઓની આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે તેઓ કિડની વેચવા માટે મજબૂર છે.
હવે આ ઘટના આખા ગુજરાતમાં વાયરલ થઈ રહી છે. આ શખ્સે પોલીસ કમિશરને પત્ર લખીને કિડની વેંચવા માટેની મંજૂરી માંગી હોવાનો ઉલ્લેખ છે. આ અંગે પરેશ રાઠોડે વાત કરી હતી કે, તેઓની આર્થિક સ્થિતિ નબળી છે. થોડા દિવસ પહેલા પીજીવીસીએલનું બીલ ભર્યું પરંતુ તેમાં પણ તેની સાથે છેતરપિંડી થઈ છે. તેની પાસે પોતાના સંતાનની ફી ભરવા માટે પણ ફૂટી કોડી નથી જેના કારણે તેઓ પાસે પોતાના શરીરના મહત્વના અંગને વેચવા સિવાય કોઇ વિકલ્પ નથી જેના કારણે કિડની વેચવાની મંજૂરી માંગી હતી. સાથે જ પરેશ રાઠોડે અરજીમાં ઉલ્લેખ કર્યો છે કે પોલીસની કામગીરીમાં પણ ભેદભાવ છે.