રાજ્યમાં વરસાદે થોડો વિરામ લીધો છે. તેમ છતાં હવે વરસાદને લઈને ભયંકર આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ચોમાસાનો ચોથો રાઉન્ડ શરુ થવાનો છે. તેમાં હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ દ્વારા મહત્વની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, રાજ્યમાં પાંચ દિવસમાં ભારે વરસાદી વાતાવરણ ન હોવાની શક્યતાઓ જોવા મળી રહી છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદ-ગાંધીનગર સહિત આજુબાજુના ગામડાઓમાં પણ 5 દિવસ સામાન્ય વરસાદ રહેવાની શક્યતા રહેલી છે. તેની સાથે માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી અપાઈ છે.
આ સિવાય ચાર દિવસ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે. જયારે પૂર્વ વિસ્તારમાં પણ છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. ડિપ્રેશન ઉત્તર-પૂર્વ તરફ સતત આગળ વધી રહ્યું છે. તેના લીધે ગુજરાતમાં હાલ વરસાદથી રાહત મળી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે. તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, બંગાળના ઉપસાગરનું ડીપ ડિપ્રેશન આગળ વધી રહ્યું છે. તેના લીધે ઓરિસ્સા અને મધ્યપ્રદેશ થઈને વરસાદી સિસ્ટમ ગુજરાતમાં પ્રવેશવાનું છે. તેના લીધે ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની માહોલ બનવાની શક્યતા રહેલી છે તેમજ નર્મદા, સાબરમતી, તાપી સહિત અનેક નદીઓ બે કાંઠે વહેવાની શક્યતા રહેલી છે.
તેની સાથે તારીખ 4, 5 અને 6 ઓગસ્ટમાં રાજ્યના અનેક ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે. ઉત્તર ગુજરાત, પંચમહાલ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેની સાથે સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠાના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.