khissu

પૂર્વાનુમાન / 4થી 10 જૂન સુધીમાં રાજ્યનું વાતાવરણ કેવુ રહેશે? અશોકભાઈ પટેલની મોટી આગાહી

 અશોકભાઈ પટેલે આગાહી કરતાં જણાવ્યુ છે કે ગુજરાતના વિસ્તારોમાં વરસાદ અને વાદળ છાયું વાતાવરણ રહેશે. તારીખ 6 જૂનથી  ઉપલા લેવલે અસ્થિરતા વધશે. આજથી 7 જૂન સુધી ઉંચા લેવલે વાદળો ગુજરાતના વિસ્તારોમાં છૂટા છવાયા જોવા મળશે.જ્યારે તારીખ 8, 9 અને 10 જૂનના વાદળો નીચા લેવલનાં રહેશે. આજથી 10 જૂન સુધીમાં રાજયના વિસ્તારોમાં એક બે દીવસ પ્રિ મોન્સુન એક્ટિવિટી નાં ભાગ રૂપે વરસાદી ઝાપટાની પણ આગાહી અશોકભાઈ પટેલે કરી છે.

ચોમાસાને લઈને આગાહી કરતાં જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં સ્થગિત થયેલી ચોમાસાની પાંખ બે દિવસથી આગળ વધી છે. જેથી આજે ઉત્તર અને મધ્ય બંગાળ ખાડીમાં ચોમાસુ આગળ વધ્યું છે. તેમજ ગઈકાલે અને આજે ભારતના સમગ્ર પૂર્વોત્તર રાજ્યોમાં ચોમાસુ બેસી ગયું છે. જ્યારે અરબી સમુદ્રનું ચોમાસુ હાલ 15 ડિગ્રી નોર્થ એટલે કે ગોવા બોર્ડર સુધી પહોંચી ગયું છે.

રાજયના વિસ્તારોમાં 10 જૂન સુધી તેમણે ભારે પવનો ફૂંકાવાની આગાહી કરી છે. આગાહીના સમયમાં પવન ફરતા રહેશે.પવનો દક્ષિણ પશ્ચિમનાં તો ક્યારેક ઉત્તર પશ્ચિમનાં પણ રહેશે. જે 5જૂન સુધીમાં જોવા મળશે. જ્યારે આગાહીના બાકીના સમયમાં દક્ષિણ પશ્ચિમનાં પવનો રહેશે. જો કે પવનની ગતિ 20 થી 35 કિમી ની રહેશે. સામાન્ય રીતે બપોર બાદ સાંજના સમયે ભારે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. અને 5 જૂનથી રાજ્યમાં ભેજનું પ્રમાણ વધશે ત્યારે બફારાનો પણ  અહેસાસ થશે. અને દરિયાઈ પટ્ટીમાં ભેજનું પ્રમાણ વધશે.