રાજ્યમાં વરસાદ રોકાતાં ચોમાસાની વિદાયની ચર્ચાઓ થઇ રહી છે, પરંતુ હવામાન નિષ્ણાતો દ્વારા હજુ ચોમાસાએ વિદાય ન લીધી હોવાની વાત કહેવામાં આવી રહી છે.
કેમ કે, બંગાળની ખાડીમાં હલચલ જોવા મળી રહી છે અને ત્યાં સર્જાનારી સિસ્ટમ ગુજરાતને કેવી અસર કરશે? તે અંગે પણ આગાહી કરવામાં આવી રહી છે. આ સિસ્ટમ મજબૂત હોવાની અને ઘણી જગ્યાએ ભારે વરસાદ પડવાનું અનુમાન પણ હવામાન નિષ્ણાત વ્યક્ત કરી રહ્યા છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, 24 સપ્ટેમ્બર આસપાસ બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ બની રહી છે. તેની અસર ઓરિસ્સા, વિશાખાપટ્ટનમ, આંધ્રપ્રદેશ થઈને દક્ષિણ મહારાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં સક્રિય થશે.
દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. 8થી 10 ઇંચ જેટલો વરસાદ થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. પંચમહાલના ભાગોમાં પણ એક ઇંચ તેથી વધુ વરસાદ થઈ શકે છે.
આ ઉપરાંત સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં અડધો ઇંચથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના અલગ અલગ ભાગોમાં વરસાદી ઝાપટાં પડશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, જૂનાગઢ, ભાવનગર, અમરેલીના ભાગોમાં વધુ વરસાદી ઝાપટાં પડવાની શક્યતાઓ રહેશે.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, ચોમાસાની વિદાય પહેલા રાજ્યમાં ચોમાસાનો છેલ્લો રાઉન્ડ આવશે તેવી શક્યતાઓ છે. તે સિસ્ટમ બંગાળની ખાડીમાંથી તૈયાર થઇને ગુજરાત તરફ આવે તેવું એક અનુમાન છે.
હાલ દેખાઇ રહેલા ટ્રેક મુજબ જોવા જઇએ તો છત્તીસગઢ, મધ્યપ્રદેશ થઇને ગુજરાત પર આવે તેવી પૂરી શક્યતાઓ છે. જોકે, તેમાં ફેરફાર થવાની શક્યતા ખૂબ ઓછી છે
સાથે જ તેમણે જણાવ્યું હતું કે, 2024ના ચોમાસાની આ છેલ્લી સિસ્ટમ હશે. આ સિસ્ટમ આપણી પરથી પસાર થશે પછી ચોમાસાની વિદાયની શરૂઆત થઇ જશે