khissu

હવે વરાપ નીકળશે, વરસાદી ઝાપટા બંધ, તો નવો વરસાદી રાઉન્ડ ક્યારે શરુ થશે? પરેશ ગોસ્વામીની આગાહી

રાજ્યમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ જોવા મળ્યો છે. ખાસ કરીને, દક્ષિણ ગુજરાત બાદ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનો રાઉન્ડ જોવા મળ્યો હતો. ધોધમાર વરસાદને પગલે ઘણા ગામડાઓમાં પાણી ભરાઇ જતાં વિકટ સ્થિતિ જોવા મળી હતી. આવામાં આવનારા દિવસોમાં રાજ્યનું હવામાન કેવું રહેશે, તે અંગે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કહી છે. તેમણે જણાવ્યું કે, આજથી તડકો નીકળશે અને મોટાભાગના વિસ્તારોમાં ઝાપટાનું પ્રમાણ ઘટી જશે. ચાલો, જાણીએ વરસાદ અંગે પરેશ ગોસ્વામીની આગાહી…

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ તેમના યુ-ટ્યુબ વીડિયોમાં જણાવ્યું કે, સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારો એવા છે જ્યાં વરસાદ પડ્યા પછી ખેડૂતોને વાવણી કરવાનો મોકો મળ્યો નથી. કેમ કે, ઉપરથી ઝાપટા ચાલુ છે એટલે ખેતરમાં જઇ શકાતું નથી

આવામાં આજથી સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ઝાપટાઓનું દોર થંભી જશે. મોટાભાગના વિસ્તારોમાં તડકો પણ નીકળશે. અમુક જગ્યાએ છૂટાછવાયા ઝાપટા પડે તે અપવાદ રહેશે, પરંતુ મોટાભાગના વિસ્તારોમાં ઝાપટાનું પ્રમાણ ઘટી જશે.

અમારા WhatsApp ગ્રૂપ માં જોડાવા અહીં ક્લિક કરો

આવનાર એકાદ દિવસ દક્ષિણ ગુજરાત અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો એટલે કે દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોમાં હળવા, સામાન્ય, મધ્યમ વરસાદ ચાલુ રહેશે.

જ્યારે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો એટલે કે છોટાઉદેપુર, દાહોદ, ગોધરા, અરવલ્લી, મહીસાગરમાં હજુ પણ સાંજ સુધી હળવા, મધ્યમ ઝાપટા ચાલુ રહે તેવી શક્યતાઓ છે.

હાલ વરસાદના નવા રાઉન્ડની કોઇ શક્યતા નથી. હાલ બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બની રહી છે. આ સિસ્ટમ ધીમે ધીમે આગળ આવશે. એટલે ગુજરાતના અમુક જિલ્લામાં 9, 10 જુલાઇથી વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થશે. જોકે, આ રાઉન્ડ સાર્વત્રિક નહીં હોય. દક્ષિણ ગુજરાત અને મધ્ય પ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારને વધુ અસર કરશે, બીજા વિસ્તારમાં તેની અસર ઓછી જોવા મળશે.