khissu

નવી સિસ્ટમ એક્ટિવ થતા ગુજરાતમાં મેઘાનું જોર વધશે, આજે ક્યાં-ક્યાં થઈ શકે છે વરસાદ?

હવામાન વિભાગે આગામી રવિવાર સુધી રાજ્યમાં ભારે વરસાદની શક્યતાઓ ના હોવાનું જણાવ્યું છે. જોકે, તે પછી વરસાદનું જોર વધવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ હવામાન કેન્દ્રના ડિરેક્ટર ડૉ. મનોરમા મોહંતીએ બુધવારે આપેલી માહિતીમાં જણાવ્યું હતું કે, 16મી જુલાઈ પછી વરસાદનું જોર વધી શકે છે. આ પહેલા રાજ્યમાં હળવો વરસાદ રહેવાની શક્યતાઓ છે. આ દરમિયાન ક્યાંક ભારે ઝાપટું પણ થઈ શકે છે.

હવામાન વિભાગે બુધવારે સાત દિવસના હવામાનની આગહી કરી છે તેમાં રવિવાર સુધી ભારે વરસાદની શક્યતાઓ ના હોવાનું જણાવ્યું છે. આ પછી તેમણે વરસાદનું જોર વધવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. આ તારીખો દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છમાં છૂટોછવાયો વરસાદ રહી શકે છે, જ્યારે ગુજરાતન બાકી ભાગો જેવા કે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના લગભગ મોટાભાગના વિસ્તારોમાં વરસાદ રહી શકે છે

તેમણે બુધવારે એ પણ જણાવ્યું હતું કે, આગામી સમયમાં જે સિસ્ટમ એક્ટિવ થવાની છે તેને હજુ થોડો સમય લાગી શકે છે. જોકે, રવિવાર સુધી સિસ્ટમની વધારે અસર ના હોવાનું પણ જણાવ્યું હતું. આ સાથે પવનની દિશા દક્ષિણપશ્ચિમથી પશ્ચિમના પવન રહેવાની સંભાવના છે. ઓફશોર ટ્રોફ પણ છે અને તેના કારણે એકાદ જગ્યામાં ભારે વરસાદ થઈ શકે છે.

અમદાવાદમાં વરસાદનું જોર હળવું રહેવાની શક્યતાઓ પણ ડૉ. મોહંતી દ્વારા બુધવારે વ્યક્ત કરવામાં આવી હતી. ભેજનું પ્રમાણ વધુ છે અને ગરમીના કારણે વરસાદ થઈ શકે છે. ગુજરાત રાજ્યમાં સિઝનનો 60 ટકા વરસાદ નોંધાઈ ચુક્યો છે. હવે આગામી દિવસોમાં વરસાદનું જોર વધે તો ઝડપથી તે 100 ટકા પર પહોંચી શકે

હવામાન વિભાગે સાત દિવસની આગાહી કરી છે જેમાં આજના દિવસે રાજ્યમાં હળવાથી સામાન્ય વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે, જેમાં સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, રાજકોટ અને દીવનો સમાવેશ થાય છે. આ સિવાય અમદાવાદ, આણંદ, અરવલ્લી, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર અને પંચમહાલમાં પણ આજે હળવા વરસાદની શક્યતાઓ છે. આ સિવાયના રાજ્યના જિલ્લાઓમાં હવામાન સૂકું રહી શકે છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ વરસાદના ત્રીજા રાઉન્ડની આગાહી કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, આગામી 18 અને 19 જુલાઈએ બંગાળની ખાડીમાં વધુ ડીપ ડિપ્રેશન બનશે. બંગાળની ખાડીનું ડીપ ડિપ્રેશન ગુજરાતમાં વરસાદ લાવશે. ડીપ ડિપ્રેશનના કારણે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાંભારે વરસાદ થઇ શકે છે. 20 જુલાઈથી 25 જુલાઈ સુધી અતિભારે વરસાદ આવવાની સંભાવના છે. જ્યારે 28 જુલાઈથી 8 ઓગસ્ટ સુધીમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે, ખાસ કરીને કચ્છ, બનાસકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. તેમજ મધ્ય ગુજરાતના કેટલાક ભાગો વરસાદથી તરબોળ થશે.