khissu

ઝવેરી ઘરેણાંની કિંમત કેવી રીતે નક્કી કરે છે? 22 કેરેટ અને 24 કેરેટ સોનું એટલે શું?

મિત્રો, તમને ખ્યાલ જ હશે કે સોનામાં અલગ અલગ કેરેટ દ્વારા વિભાજન કરવામાં આવે છે જેમાં 14 કેરેટ, 18કેરેટ, 22 કેરેટ અને 24 કેરેટનો સમાવેશ થાય છે. ઘણાં લોકોને આ અલગ અલગ કેરેટના સોનાં વિશે ખ્યાલ નથી હોતો. તો તમને જણાવી દઈએ કે, સોનામાં અમુક બીજી ધાતુનું પણ મિશ્રણ કરવામાં આવતું હોય છે. જેમ જેમ બીજી ધાતુને વધારે પ્રમાણમાં મિશ્ર કરવામાં આવે તેમ તેમ સોનાની શુધ્ધતા ઘટતી જાય છે અને તેમ તેમ તેના કેરેટ પણ ઘટતા જાય છે.

24 કેરેટ અને 22 કેરેટ આ બધાનો શું મતલબ ? : એટલે જો સોનામાં એકપણ પ્રકારનું મિશ્રણ કરવામાં ન આવે તો તેને 100℅ શુદ્ધ માનવામાં આવે છે અને તેને જ 24 કેરેટ સોનું કહે છે. હવે તેમાં જેમ જેમ બીજી ધાતુ ઉમેરવામાં આવે તેમ તેમ તેના કેરેટ ઘટતા જાય એટલે 22 કેરેટ સોનામાં થોડા પ્રમાણમાં ઝીંંક અને કોપર જેવી બીજી ધાતુ ઉમેરવામાં આવે છે જ્યારે 18 કેરેટ સોનામાં એના કરતાં વધુ પ્રમાણમાં મિશ્રિત ધાતુ ઉમેરવામાં આવે છે.

મિત્રો, માર્કેટમાં તમે જે સોનાનાં ઘરેણાં ખરીદો છો તે ક્યારેય 24 કેરેટનાં હોતાં નથી કેમકે સોનું એકદમ નરમ ધાતુ હોય છે તેથી એકદમ શુધ્ધ સોનાનાં ઘરેણાં બની શકે જ નહીં. તેથી જો તમને કોઈ 24 કેરેટ સોનું જણાવી 24 કેરેટ સોનાનાં ભાવ લે તો છેતરાશો નહીં. તમને જે સોનાનાં ઘરેણાં આપવામાં આવે છે તે 22 અથવા 18 કેરેટ ના હોય છે.

સરકાર દ્વારા જાહેર કરાયેલા સોનાના ભાવ કરતા જવેલર્સમાં કેમ કંઈક અલગ જ ભાવ જોવા મળે છે ?  : મિત્રો, તમે રોજબરોજના સોના-ચાંદીના ભાવ તમારા શહેરમાં શું ચાલી રહ્યા છે તે જાણી લેતાં હોવ છો પણ જવેલરીની દુકાને તો કંઈક અલગ જ ભાવ જોવા મળે છે તો આવું કેમ બને છે શું તમને જે ભાવ જણાવવામાં આવે તે ખોટા છે ? શું જે તે સોની વધારે ભાવ પડાવી લેતાં હશે ?

તમને જે રોજબરોજના સોના-ચાંદીના ભાવ જણાવવામાં આવે છે તે સોનાની ધાતુના હોય છે. પરંતુ જવેલર્સ તમારી પાસેથી જે ભાવ લે છે તે સોનાના ઘરેણાંનો લે છે. 

તો એવું કેમ હશે સોનાની ધાતુ અને ઘરેણાંના ભાવમાં તફાવત કેમ ? : મિત્રો ઈન્ટરનેશનલ માર્કેટ દ્વારા અને ત્યારબાદ આપણા દેશની સરકાર દ્વારા જેતે રાજ્યમાં સોનાની ધાતુના ભાવ નક્કી થતાં હોય છે અને જવેલર્સ જે ભાવ ઘરેણાં માટે લે છે એ થોડો વધુ હોય છે તેની પાછળનું કારણ એજ છે કે જવેલર્સ સોનાની ધાતુમાંથી ઘરેણાં બનાવે છે અને તે ઘરેણાં ઘડવા માટેનો ચાર્જ અને તેના પર લાગતાં gst નો પણ ચાર્જ ઉમેરે છે.

તો સોનાના ઘરેણાંનો ભાવ નક્કી કંઈ રીતે થતો હશે ? : ઝવેરી સોનાના ઘરેણાંનો ભાવ નક્કી કરવા માટે સૌપ્રથમ માર્કેટમાં સોનાની ધાતુનો ૧ ગ્રામનો ભાવ શું છે તે જુએ છે અને ત્યારબાદ જે તે ઘરેણાંનો વજન કરે છે. આમ સોનાની ધાતુનો ૧ ગ્રામનો ભાવ અને ઘરેણાંના વજનનો ગુણાકાર કરે છે. ત્યારબાદ તેમાં ઘડામણનો ભાવ ઉમેરે છે અને ત્યાર બાદ GST ઉમેરે છે.

ઘરેણાંની કિંમત = (સોનાનો ભાવ પ્રતિ ૧ ગ્રામનો × ઘરેણાંનું વજન) + ઘડામણનો ખર્ચ + GST (ઘરેણું અને ઘડામણ ખર્ચ પર)

ઝવેરી ઘડામણનો ભાવ કેવી રીતે લે છે અને GST કેટલાં ટકા લાગતું હોય છે ? : જોકે ઘડામણના ખર્ચ વિશે સરકારે કોઈ નિયમો બનાવ્યા નથી જેતે ઝવેરી પોતાની ઘડામણની ડિઝાઇન પ્રમાણે ભાવ લેતાં હોય છે. જેતે જવેલરી ઘરેણાં પર 8%, 10% અથવા 12℅ સુધી ખર્ચ લેતાં હોય છે તેનાથી વધુ ઘડામણ ખર્ચ તમારે ના આપવો જોઈએ. હવે GSTની વાત કરીએ તો ઘરેણાં પર કુલ 3% GST લાગે છે અને અમુક ઝવેરી પોતાના ઘડામણ ખર્ચ પર પણ 5% GST લગાવે છે.