રાજ્યમાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. દક્ષિણ અને મધ્ય ગુજરાત બાદ આજે સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધ્યું છે. જ્યાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. આવામાં હવે સૌરાષ્ટ્રના જિલ્લાઓ અને કચ્ચમાં વરસાદનું જોર વધતું જણાઇ રહ્યું છે. કેમ કે, હવામાન વિભાગની આગાહી સામે આવી છે.
આજે મંગળવારે બપોરે 4થી સાંજના 7 વાગ્યા સુધીની આગાહીમાં સૌરાષ્ટ્રના 7 જિલ્લા અને કચ્છમાં રેડ એલર્ટ છે. જ્યારે બાકીના તમામ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ છે. નોંધનીય છે કે, આજે 1થી 4 વાગ્યા સુધીની આગાહીમાં સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાઓમાં રેડ એલર્ટ હતું.
આજે મંગળવારે બપોરે 4થી સાંજના 7 વાગ્યાની વાત કરીએ તો, રાજ્યના 33 જિલ્લામાંથી 8 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓનો સમાવેશ થાય છે
જે જિલ્લાઓમાં રેડ એલર્ટ છે, ત્યાં મધ્યમ ગાજવીજ સાથે 41થી 61 કિલોમીટર પ્રતિકલાક પવનની ગતિ રહેવાની સંભાવના છે. સાથે જ ભારે વરસાદની આગાહી છે.
નોંધનીય છે કે, રાજ્યમાં 10 કલાકમાં 245 તાલુકામાં વરસાદ નોંધાયો છે. 17 તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. રાજકોટમાં 8 અને લોધિકામાં 7 ઇંચ વરસાદ ખાબક્યો છે. ખંભાળિયા અને કલ્યાણપુરમાં 6.5 ઇંચ વરસાદ નોંધાયો છે. જામનગરમાં 6.5, ભાણવદમાં 5.5 ઇંચ વરસાદ, લાલપુર અને રાણાવાવમાં 5.5 ઇંચ વરસાદ, ગોંડલ અને દ્વારકામાં 5 ઇંચ વરસાદ પડ્યો છે.