રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારમાં સક્રિય થયેલાં સાયક્લોનિક સરક્યુલેશનની અસરથી રાજ્યના કેટલાક વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો છે. ત્યારે અન્નદાતાઓ માટે વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે. આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં 30થી 40 કિલોમીટરની ગતિના તોફાની પવનો અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની શક્યતા છે. મહત્વનું છે કે, ગતરોજ સુરત, બારડોલી, વડોદરા અને ભાવનગરમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો.
કયા-કયા જિલ્લાઓમાં વરસાદની આગાહી?
ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ અને મહેસાણા તો દ. ગુજરાતમાં ડાંગ, વલસાડ, નવસારી, તાપી અને દાહોદ તો સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર તેમજ કચ્છમાં પણ કમોસમી માવઠાની સંભાવના વ્યક્ત કરાઇ છે. જ્યારે મધ્ય ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે. તમને જણાવી દઇએ કે, ઉત્તર-પૂર્વીય પવનોના કારણે રાજ્યમાં વાતાવરણમાં પલટો આવશે.
માર્ચમાં આ તારીખે પડશે કમોસમી વરસાદ
અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, 14થી 17 માર્ચ કમોસમી વરસાદ વરસી શકે છે. ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતાઓ છે. આ ઉપરાંત 25થી 28 માર્ચે ફરી કમોસમી વરસાદની સંભાવનાઓ છે. એપ્રિલ મહિનામાં પણ કમોસમી વરસાદની શક્યતાઓ છે. આ 3થી 8 એપ્રિલે વાતાવરણમાં પલટો આવશે. 14મી એપ્રિલે ફરી અષાઢી માહોલ જેમ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે. સાથે જ આ દરમિયાન કરા પણ પડી શકે છે. માર્ચ મહિના દિવસો ખેડૂતો માટે સારા ગણાશે નહીં.
આગામી 2 દિવસ ખેડૂતો જણસ લઈને ન આવે તેવી જાહેરાત
હવામાન વિભાગ દ્વારા કરાયેલ કમોસમી વરસાદની આગાહી કરી છે. જેને લઈને રાજ્યનાં વિવિધ માર્કેટયાર્ડમાં હરાજી બંધ રાખવામાં આવી છે. ત્યારે રાજકોટના ઉપલેટા યાર્ડમાં હરાજી બંધ રાખવામાં આવી છે. તેમજ આગામી બે દિવસ ખેડૂતો જણસ લઈને ન આવે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે. ત્યારે જે ખેડૂતો સૂચનાથી અજાણ છે અને માર્કેટયાર્ડમાં માલ લઈને આવે છે તેવા ખેડૂતો માટે પણ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ ખેડૂતોની જણસ સુરક્ષિત રાખવા માટે પણ યાર્ડમાં વ્યવસ્થા કરાઈ છે.
ઉનાળાની શરૂઆતમાં માવઠાની સ્થિતિ સર્જાતા ખેડૂતો ફરી એક વખત ચિંતિત બન્યા છે. હજુ થોડા દિવસો પહેલા જ માવઠા અને કારણે ખેડૂતોના પાકને મોટું નુકસાન થવા પામ્યું હતું ત્યારે ફરી એક વખત ત્રણ દિવસની વરસાદની આગાહીને લઈ વરસાદ પડતા ખેડૂતોની ચિંતા બેવડી થઈ ગઈ છે.