રાજ્યમાં ગુલાબી ઠંડી અનુભવાઈ રહી છે. નવેમ્બર મહિનામાં અત્યાર સુધી કડકડતી ઠંડીનો અહેસાસ થયો નથી. જોકે, આગામી સમયમાં અરબ સાગર અને બંગાળની ખાડીમાં હલચલ થવાની અને નવી સિસ્ટમો બનવાની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ કરી રહ્યા છે. આ સાથે જ તેમણે નવેમ્બરના બાકીના દિવસો અને ખાસ કરીને ડિસેમ્બર મહિનામાં ગુજરાતના વાતાવરણમાં આવનારા પલટા, હાડ થીજવતી ઠંડી અને માવઠા વિશે પણ વિગતવાર માહિતી આપી છે. બન્ને દરિયામાં ઉદ્ભવનારી સિસ્ટમોની ગુજરાતના વાતાવરણ પર અસર અંગે તેમણે જણાવ્યું છે. આ સાથે જ કઈ-કઈ તારીખો દરમિયાન પારો ગગડશે તે અંગે પણ આગાહી કરી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, કાલથી વાદળો આવવાની શક્યતા રહેશે. લઘુત્તમ તાપમાનમાં વધારો થવાની શક્યતા રહેશે. સવારના ભાગમાં ઠંડી રહેશે. જ્યારે 25 નવેમ્બર આસપાસ બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ બની રહેશે. આ સિસ્ટમ ચક્રવાત બનવાની શક્યતા છે. ઉપરાંત અરબી સમુદ્રમાં પણ લો પ્રેશર બનવાની શક્યતા છે. પરંતુ તેનો માર્ગ ગુજરાત તરફ નહીં હોય. આ સિસ્ટમોના લીધે ધીમે-ધીમે ગુજરાતનું હવામાન પણ પલટાશે.
ડિસેમ્બર મહિનામાં 4થી 8 તારીખ દરમિયાન એક પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા રહેશે. જેના લીધે આ સમયગાળા દરમિયાન ગુજરાતમાં વાદળો આવવાની શક્યતા રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગયા બાદ ઠંડીનો અનુભવ થશે. ડિસેમ્બરમાં થોડા દિવસ બાદ કડકડતી ઠંડીનો અનુભવ થશે.
ડિસેમ્બર મહિનામાં 2થી 8 દરમિયાન બંગાળની ખાડીમાં ફરી એક સિસ્ટમ બનશે. ફરી એક વખત ડીપ ડિપ્રેશન અથવા સાયક્લોન બની શકે છે. ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં ગુજરાતના હવામાનમાં પલટો આવશે અને સુરત, નવસારી, ભરૂચ, અમરેલીના ભાગોમાં વરસાદી છાંટા પડવાની શક્યતા રહેશે
2થી 8 ડિસેમ્બર દરમિયાન જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે તેના લીધે ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતનું હવામાન પલટાશે. પૂર્વ ગુજરાતમાં હળવો વરસાદ કે વાદળવાયુ થઈ શકે છે. ડિસેમ્બરના બીજા અને ત્રીજા સપ્તાહમાં કાતિલ ઠંડી પડવાની શક્યતા રહેશે. આ વખતે લાનિનોના સંકેતના લીધે કાતિલ ઠંડીને પણ વેગ મળશે.