ગુજરાતમાં શિયાળાની શરૂઆત થઈ છે પરંતુ હજી ઠંડી જોઈએ તેવી જામી નથી. તો બીજી બાજુ બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં હલચલ જોવા મળી રહી છે. હવામાન વિભાગે રવિવાર માટે ચેતવણી જાહેર કરી હતી. ભારે વરસાદને કારણે તમિલનાડુમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. વરસાદની તીવ્રતાને કારણે કેરળ અને પડોશી રાજ્યોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં કાતિલ ઠંડીની શરૂઆત થઈ છે.
તાપમાનમાં ઘટાડાને કારણે હવામાન વિભાગે નવ રાજ્યોમાં યલો એલર્ટ આપ્યું છે. બિહાર, પશ્ચિમ બંગાળ અને ઓડિશા જેવા પૂર્વી ભારતીય પ્રદેશોમાં તાપમાનમાં કોઈ ફેરફાર થવાની સંભાવના નથી. આગામી દિવસોમાં આ વિસ્તારોમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે. આજે આપણે ગુજરાત અને દેશના અન્ય રાજ્યોમાં આગામી દિવસોમાં કેવું હવામાન રહેશે તે અંગેની આગાહી જોઈએ.
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રએ આપેલી માહિતી પ્રમાણે, ગુજરાતમાં હાલ ઉત્તર પૂર્વથી પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે. આ પવનની દિશાને કારણે સવારે અને સાંજે ઠંડી તો બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. આ સાથે સૌરાષ્ટ્ર કચ્છ સહિત આખા ગુજરાતમાં હવામાન શુષ્ક રહેવાની શક્યતા છે. ગુજરાતમાં આગામી સાત દિવસ ક્યાંય વરસાદ પડવાની શક્યતા નથી. આગામી સાત દિવસ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની કોઈ શક્યતા નથી.
નિવૃત્ત હવામાન વૈજ્ઞાનિક અશોક દેસાઈએ આગાહીમાં જણાવ્યું છે કે, 19 તારીખ પછી તાપમાનમાં ફેરફાર થશે. બીજી આવી રહેલી સિસ્ટમો તેને અસર કરશે અત્યારે પારો ઘટે છે, તે યથાવત રહેશે. કદાચ પારો 10 ડિગ્રી સુધી જવાની સંભાવના છે. પેસિફિક મહાસાગરમાં બે સિસ્ટમ કાલમેગી જે લેન્ડ પર આવી ચૂકી છે. બીજી એક સિસ્ટમ ફુંગ વોંગ ટાઈફૂન હોંગકોંગ પર તબાહી મચાવવા જઈ રહી છે. આ બન્ને સિસ્ટમની અસર બંગાળની ખાડી અને અરબ સાગરમાં થઈ શકે છે અને વાદળો ઉત્પન્ન થઈ શકે છે. કદાચ ગાજવીજ પણ થાય. જોકે, વરસાદની શક્યતા બહુ નહિવત્ દેખાય છે. કદાચ છાંટા થઈ શકે છે. પરંતુ વાદળો ચોક્કસ આવશે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે, 16થી 18 નવેમ્બર દરમિયાન એક ચક્રવાત સર્જાશે. 18થી 24 નવેમ્બરે ફરી એક વખત માવઠું થઈ શકે છે. બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાઈ શકે છે. જ્યારે 18થી 20 નવેમ્બર દરમિયાન ચક્રવાતની અસર રહેશે. આ સાથે જ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ આવવાની શક્યતા છે. 18થી 24 દરમિયાન વાતાવરણમાં પલટો આવી શકે છે. જ્યારે 15 ડિસેમ્બર સુધીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની શક્યતા રહેશે.
માવઠાની શક્યતા અંગે તેમણે જણાવ્યું છે કે, 16 ડિસેમ્બર સુધીમાં માવઠું થવાની શક્યતાઓ રહેશે. 20 ડિસેમ્બરથી ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં જાણે કે હિમચાદર થઈ ગઈ હોય તેવું જોવા મળશે. 22 ડિસેમ્બરથી કાતિલ ઠંડીને વેગ મળશે, હાડ કંપાવતી ઠંડી પડશે. 11 જાન્યુઆરીથી ઠંડા પવન ફૂંકાશે. તેમજ ઉત્તરાયણ બાદ પણ ઠંડા પવન ફૂંકાવવાની શક્યતા છે.