khissu.com@gmail.com

khissu

કોમ્પ્યુટર એન્જિનિયર 10 લાખની નોકરી છોડી બન્યો ખેડૂત, હવે કરે છે પગાર કરતા 4 ગણી કમાણી

વર્તમાન સમયમાં યુવાનો નોકરી માટે ઘણી મહેનત કરે છે પરંતુ તેમ છતા ઘણીવાર નોકરી મળતી નથી એવામા એક યુવાને લાખો રૂપિયાનું પેકેજ છોડીને ખેતી કરવાનું નક્કી કર્યું અને તેમા સફળતા પણ મેળવી. આટલો ઉંચો પગાર છોડીને ખેતી કરવી આસાન નથી હોતી, કારણ કે સમાજમાં ઘણા લોકો તેમની ટિકા પણ કરતા પરંતુ હવે જ્યારે તેમણે સફળતા પ્રાપ્ત કરી છે ત્યારે હવે તેઓ પ્રશંસા કરી રહ્યા છે.
હાઈ એજ્યુકેશન લીધા બાદ આંતરરાષ્ટ્રીય કંપનીમાં 10 લાખ રૂપિયાના પેકેજની નોકરી છોડીને કોમ્પ્યુટર એન્જિનિયરે ખેતીમાં પોતાવી કારકિર્દી બનાવવાનું નક્કી કર્યુ. ઇજનેરમાંથી ખેડૂત બનેલા આ યુવાને ખેતીકામ માટે પોતાની રીતે રસ્તો નક્કી કર્યો, તેમણે પાકની સિંચાઈ માટે કૂવા, બોર કે નદી જેવા પરંપરાગત સોર્સની નિર્ભરતા દૂર કરી અને વરસાદી પાણીનો સંગ્રહ કરીને પોતાના ખેતરમાં ચાર મોટા તળાવ બનાવ્યા, જેમાં વરસાદી પાણીનો સંગ્રહ કર્યો.

તેનું પરિણામ એ આવ્યું કે, ખેતરોમાં બનેલા આ 4 તળાવમાં આશરે 15 કરોડ લિટર જેટલુ વરસાદી પાણી એકઠું થયું. હવે તેને બીજા સોર્સની જરૂર પડતી નથી અને વરસાદના પાણીથી ભરેલા આ તળાવો હવે આખા વર્ષ દરમિયાન 60 વીઘા ખેતરોમાં વાવેલા પાકને પાણી પૂરુ પાડે છે.

અમે વાત કરી રહ્યા છીએ એક એવા હાઇટેક ખેડૂતની કે જેઓ એમપીના મુરેના જિલ્લાના પ્રસિદ્ધ ડૉ. જિતેન્દ્ર ચતુર્વેદીના પુત્ર ગૌરવ ચતુર્વેદી છે. તમને જણાવી દઈએ કે, શરૂઆતથી જ ગૌરવે ઉચ્ચ અધિકારી બનાવવા માટે હાઈટેક સ્કૂલ અને કોલેજોમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું. ગૌરવનું સ્કૂલિંગ શિક્ષણ ગ્વાલિયરની સિંધિયા સ્કૂલમાં થયું હતું, ત્યાર બાદ તેમણે 2004માં MITSમાંથી એન્જિનિયરિંગનો અભ્યાસ કમ્પ્લિટ કર્યો. જ્યારે 2005માં તે એક આંતરરાષ્ટ્રીય કંપનીમાં કમ્પ્યુટર એન્જિનિયર તરીકે કામે લાગ્યા.

નોંધનીય છે કે, આજથી 16 વર્ષ પહેલાં, તેણે દિલ્હીમાં વાર્ષિક રૂ. 10 લાખના ઉંચા પેકેજ પર એક વર્ષ કામ કર્યું, પરંતુ તેઓ કૃષિ ક્ષેત્રે કંઈક નવું કરવાની ઈચ્છા ધરાવતા હોવાથી વર્ષ 2006માં નોકરી છોડીને દિલ્હીથી ફરી તેમના વતન મોરેના આવ્યા અને 60 વીઘા ખેતરમાં તેઓએ ખેતીની જવાબદારી સંભાળી. સૌપ્રથમ તેણે પોતાના ખેતરોમાં 4 તળાવ બનાવ્યા અને તેમાં 15 કરોડ લીટર વરસાદી પાણીનો સંગ્રહ કર્યો.

ત્યાર બાદ આ તળાવોમાંથી શિયાળાની ઋતુમાં માત્ર ઘઉં, ચણા અને સરસવની ખેતી કરી આ ઉપરાંત ઉનાળાની ઋતુમાં મગની ખેતી માટે ખુબ પાણી જોઈએ તેની પણ ખેતી કરી. એટલુ જ નહીં 1 વીઘા જમીનમાં જામફળ અને આમળાની ખેતી કરવા ઉપરાંત આ તળાવોના પાણી દ્વારા ઘરવપરાશ માટે ઓર્ગેનિક શાકભાજીની પણ ખેતી કરી.

ભૂગર્ભ જળ સ્તરમાં થયો વધારો, સિંચાઈનો ઘટ્યો ખર્ચ

તમને જણાવી દઈએ કે, જ્યારે ગૌરવ ચતુર્વેદીએ 2006-07માં ખેતીનું સુકાન સંભાળ્યું ત્યારે તેમના ખેતરમાં એક બોર હતો, જેના કારણે 60 વીઘા જમીનમાં સિંચાઈ કરવી એ તેમના માટે ખૂબ મુશ્કેલ હતું. ઉનાળામાં બોરમાં પાણી સાવ સુકાઈ જતુ હોવાથી તેમણે 2008 થી 2016 વચ્ચે એક બાદ એક એમ ચાર તળાવ બનાવ્યા.

હવે આ તળાવોમાં એકઠા થયેલા પાણીને કારણે ભૂગર્ભ જળ સ્તર 15 થી 18 ફૂટ વધી ગયું. ચાર તળાવો બાંધવાથી તેમનો સિંચાઈનો ખર્ચ પણ અડધો થઈ ગયો છે. ખેતરો પાસે બનાવેલા આ તળાવોમાં વીજળી વગરની પાઈપો નાખીને તેમાંથી સિંચાઈ કરવામાં આવે છે. આ તળાવોમાંથી એક વર્ષ સુધી સિંચાઈ ઉપરાંત હવે તેઓએ આવકનો બીજો માર્ગ કાઢીને ચારેય તળાવોમાં મત્સ્ય ઉછેર પણ શરૂ કર્યો છે.