આજકાલ દરેક વ્યક્તિની એ ઇચ્છા હોય કે તેઓ કોઇ સારી એવી નોકરી કરી પૈસા કમાઇ શકે, પરંતુ આજે આપણે એક એવા વ્યક્તિત્વની ચર્ચા કરવાના છીએ જેમણે બેંકની નોકરી છોડીને ખેતીક્ષેત્રે પોતાનું નસીબ અજમાવ્યું, એટલું જ નહિ તેઓએ આ વ્યવસાય દ્વારા અન્ય લોકોને પણ ખેતી કરવાં પ્રોત્સાહિત કર્યા. આજે તેઓ કરોડો રૂપિયા કમાય રહ્યા છે. તો આવો જાણીએ આ વ્યક્તિની સફળતાની સફર વિશે..
મધ્યપ્રદેશના બસ્તર જિલ્લાના દંતેવાડા ગામના રહેવાસી ડૉ. રાજારામ ત્રિપાઠી એક બેંકર તરીકે નોકરી કરતા હતા, પરંતુ નોકરી કરતાં તેમને ખેતી કરવામાં વધુ રસ હતો. ડૉ. રાજારામ ત્રિપાઠી કહે છે કે," જો હું નિયમિત નોકરી કરું છું, તો હું ફક્ત મારી જાતને જ મદદ કરું છું, પરંતુ ખેતીમાં, હું ઘણા લોકો માટે નોકરીઓનું સર્જન કરી શકું છું અને અન્ય ખેડૂતોને પણ મદદ કરી શકું છું."
તેથી જ રાજારામ અને તેના પરિવારે ઓર્ગેનિક ખેતી કરવાનું શરૂ કર્યું. ડૉ. રાજારામ ત્રિપાઠી પોતે હર્બલ છોડની ખેતી કરે છે, આ ઉપરાંત તેઓ આજે તેમની આસપાસના વિસ્તારોના કેટલાંય ખેડૂતોને ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરે છે. તેમની આ પહેલમાં આજે ઘણા ખેડૂતો જોડાઇને જડીબુટ્ટીઓ તથા મસાલાની ખેતી કરી રહ્યા છે. ખેડૂતોને ખેતી કરવા પ્રેરિત કરતી તેમની આ મહેનતના કારણે આજે ઘણા ખેડૂતો તેમની સાથે જોડાઈને સારો એવો નફો કમાઈ રહ્યા છે.
સેન્ટ્રલ હર્બલ એગ્રો માર્કેટિંગ ફેડરેશનની રચના
તમને જણાવી દઈએ કે, રાજારામ ત્રિપાઠી ખેડૂતો માટે ખૂબ જ જાગૃત છે. તેથી તેમને ગમે તેટલો સમય મળે. ખેડૂતોને મદદ કરવા તૈયાર થઇ જાય છે. આ દરમિયાન રાજારામ ત્રિપાઠીએ ખેડૂતોને વેપારીઓની જાળમાંથી બચાવવા માટે પોતાનું સંગઠન બનાવ્યું છે. જે "સેન્ટ્રલ હર્બલ એગ્રો માર્કેટિંગ ફેડરેશન" ના નામે ઓળખાય છે. લગભગ 22,000 ખેડૂતો આ ફેડરેશન સાથે જોડાયેલા છે અને તેઓ તેમના પાકને સારી કિંમતે વેચીને નફો પણ કમાઈ રહ્યા છે.
ઓર્ગેનિક ખેતી
ડો.રાજારામ ત્રિપાઠી કહે છે કે, આપણા દેશમાં હર્બલ અને મસાલાની ખેતીનો જેટલો વિકાસ થવો જોઈએ તેટલો થયો નથી. તેમણે એમ પણ જણાવ્યું કે, વિશ્વમાં ઓર્ગેનિક ખેતીનું બજાર લગભગ 60 ટ્રિલિયન ડોલરનું છે. પરંતુ દુઃખની વાત એ છે કે, આ ઓર્ગેનિક ખેતીમાં ભારતનો હિસ્સો ઘણો ઓછો છે. હજુ પણ આપણો દેશ આ દિશામાં પાછળ છે કારણ કે અન્ય ઘણા દેશો એવા છે જે ઓર્ગેનિક ઔષધીય વનસ્પતિઓની નિકાસમાં ખૂબ આગળ છે.