રાજ્યમાં વધતી ગરમી લોકોને ગરમાવી રહી છે. ત્યારે વધુ ગરમી વધવાની આગાહી કરવામાં આવી છે સાથો સાથ રાજ્યના વિવિધ વિસ્તારોમાં હિટવેવનું એલર્ટ પણ આપવામાં આવ્યું છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, આખા એપ્રિલ મહિનામાં હવામાનમાં સતત અપડાઉન થશે.
આગાહીની વાત કરીએ તો, અંબાલાલ પટેલ મુજબ મધ્ય ગુજરાતમાં મહત્તમ તાપમાન 44 ડિગ્રીને પાર જઈ શકે જેમાં વડોદરા, આણંદ અને નડિયાદ સહિતના વિસ્તારોને આવરી લેવાયા છે. જ્યારે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સિદ્ધપુરમાં 42 ડિગ્રીથી વધુ તાપમાન રહેશે.
મહેસાણા, સાબરકાંઠા, પંચમહાલમાં પણ ગરમીનો પારો ઉંચકાશે. 12 એપ્રિલ સુધી રાજ્યભરમાં ગરમીમાં વધારો થશે તેમજ 12થી 14 એપ્રિલ સુધી 3 દિવસ ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉઠશે. 14 એપ્રિલ પહેલા પ્રિ-મોનસૂન એક્ટિવિટી થશે અને 17થી 20 એપ્રિલ સુધી કેટલાક સ્થળે વરસાદી છાંટા પડશે.
હવામાન વિભાગે કરી હીટવેવની આગાહી
અપ્રિલના પ્રારંભમાં જ ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર કચ્છના જિલ્લાઓમાં હીટવેવની આગાહી કરી છે. આગામી 9 તારીખ સુધી હીટવેવની આગાહી કરવામાં આવી છે.
કચ્છમાં રેડ એલર્ટ, રાજકોટમાં ઓરેન્જ એલર્ટ અને મોરબીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર તેમજ સુરેન્દ્રનગર, જૂનાગઢમાં યલો એલર્ટ અપાયુ છે.