khissu

બજેટ બાદ ગુજરાતમાં મોંઘવારી : પેટ્રોલ-ડિઝલ, LPG, CNG, PNG ગેસ, સીંગતેલ માં સતત વધારો

પેટ્રોલ-ડિઝલ થયાં મોંઘા :

 

જોકે હમણાં છેલ્લાં ત્રણ દિવસથી પેટ્રોલ-ડિઝલના ભાવ સ્થિર રહ્યા હતાં પરંતુ આજે ફરીથી તેના ભાવમાં વધારો થયો છે. જેમાં લગભગ આજે ૩૫ પૈસાનો વધારો જોવા મળ્યો છે. જોકે દિવસે ને દિવસે ભાવ વધતા જોવા મળ્યા છે પરંતુ ઘટવાનું નામ જ લેતા નથી.

 

દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ૮૭.૩૦ રૂપિયા પ્રતિ લીટર અને ડિઝલ ૭૭.૪૮ રુપિયા પ્રતિ લિટર છે જ્યારે આર્થિક રાજધાની મુંબઇની વાત કરીએ તો દિલ્હી કરતા પણ વધુ ભાવ જોવા મળ્યો છે. મુંબઈમાં પેટ્રોલનો ભાવ ૯૩.૮૩ રૂપિયા પ્રતિ લિટર અને ડિઝલ ૮૯.૭૦ રૂપિયા પ્રતિ લિટર છે.

 

આ ઉપરાંત કોલકાતામાં પેટ્રોલ ૮૮.૬૩ રૂપિયા પ્રતિ લિટર અને ડિઝલ ૭૭.૪૮ રૂપિયા રહ્યું જ્યારે ગુજરાતના અમદાવાદની વાત કરીએ તો પેટ્રોલ ૮૪.૫૭ રૂપિયા પ્રતિ લિટર રહ્યું જ્યારે ડિઝલ ૮૩.૪૩ રૂપિયા પ્રતિ લિટર થયું.

 

આમ તો પેટ્રોલ-ડિઝલની આટલી બધી કિંમત છે જ નઇ પેટ્રોલની કિંમત લગભગ ૨૯ રૂપિયાએ જ ભારત અન્ય દેશમાંથી આયાત કરે છે પરંતુ તેના ઉપર ૫૩ રૂપિયા જેટલો ટેક્સ નાખવામાં આવે છે જે જનતા પાસેથી વસુલ કરે છે.

 

સરકારને પેટ્રોલ-ડીઝલના ભાવો ઘટાડવાનો ઈરાદો છે નહી જે ૦૨ ફેબ્રુઆરીના રોજ રજૂ થયેલા બજેટમાં જોવા મળ્યું જેમાં સરકારે પેટ્રોલ અને ડિઝલના ભાવ ઘટાડવાને બદલે તેના ઉપર એગ્રી ઇન્ફ્રા સેસ લગાવી દીધો. જોકે નાણાંમંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે તેઓ એક્સાઇઝ ઘટાડીને આ લગાવેલા સેસની ભરપાઈ કરી દેશે જેથી ગ્રાહકો પર તેની કોઈ અસર નહીં પડે પરંતુ પેટ્રોલ-ડિઝલની કિંમતમાં દિન પ્રતિ દિન થતાં વધારાને ધ્યાને લેતાં સરકારે કરેલાં વાદાઓ ખોટા સાબિત થઈ રહ્યા છે.

 

પેટ્રોલ અને ડિઝલ પર સૌપ્રથમ તો કેન્દ્ર સરકાર એક્સાઇઝ ડ્યૂટી લગાવે છે અને ત્યારબાદ જેતે રાજ્યમાં રાજ્ય સરકાર તેના પર વેટ લગાવે છે જ્યારે કેટલીક જગ્યાઓ પર ટ્રાન્સપોર્ટ અને લોકલ બોડી ટેક્સ લગાવવામાં આવે છે. આમ પેટ્રોલ-ડિઝલ સસ્તું હોવા છતાં પણ મોંઘુ થઈ જાય છે.

 

CNG અને PNG ગેસ પણ થયાં મોંઘા :

 

મુંબઇ અને આસપાસના ક્ષેત્રમાં પાઈપ દ્વારા ગેસની આપૂર્તિ કરવાવાળી કંપની મહાનગર ગેસએ કમ્પ્રેસડ પ્રાકૃતિક ગેસ (CNG)નો ભાવ ૧.૫ રૂપિયા પ્રતિ કિલોગ્રામ અને ઘરેલું ગેસ (PNG)નો ભાવ ૯૫ પૈસા પ્રતિ ઘન મીટર વધારવામાં આવ્યો.

 

સરકારી ક્ષેત્રની કંપનીએ જણાવ્યું કે, કોવિડ ૧૯ મહામારી દરમિયાન પરિચાલન કર્મચારી અને સ્થાયી ખર્ચાઓમાં વધારાની આંશિક ભરપાઈ માટે ઈંધણોના ભાવ વધાર્યા છે. 

 

LPG સિલિન્ડર ગેસમાં પણ વધારો :

 

આ મહિનામાં ૧૯ કિલોગ્રામ સિલેન્ડરની કિંમતમાં ૧૯૧ રૂપિયાનો વધારો કર્યો છે. ડિસેમ્બરમાં રસોઈ ગેસ સિલિન્ડરના ભાવમાં બે વાર વધારો થયો હતો. નવેમ્બરના ૫૯૪ વધારીને એક ડિસેમ્બરે તેનો ભાવ ૬૪૪ રૂપિયા કરાયો હતો ત્યારબાદ ૧૫ ડિસેમ્બરના રોજ એકવાર ફરી તેની કિંમતમાં ૫૦ રૂપિયા વધારીને ૬૯૪ રૂપિયા કરાઈ. હવે ફરીથી LPG ની કિંમતમાં વધારો થયો છે.

 

હાલ ફરી LPG ગેસ સિલિન્ડરમાં ૨૫ રૂપિયાનો વધારો થયા બાદ દિલ્હીમાં LPG ગેસનો ભાવ ૭૧૯ રૂપિયા થઈ ગયો છે. જો કે આ નવી કિંમત ૪ ફેબ્રુઆરીથી લાગુ કરવામાં આવશે. એટલે ૪ ફેબ્રુઆરીથી દિલ્હીમાં LPG ના ભાવ ૭૧૯ રૂપિયા, મુંબઈમાં ૭૧૯ રૂપિયા, કોલકતામાં ૭૪૫ રૂપિયા, ચેન્નાઈમાં ૭૩૫ રૂપિયા થઈ જશે.

 

સીંગતેલ અને કપાસિયા તેલમાં વધારો :

 

પેટ્રોલ-ડિઝલનો ભાવ સતત વધી રહ્યો છે ત્યારે ખાદ્યતેલમાં પણ મોંઘવારીનો ડામ લાગી ગયો છે. સિંગતેલનો ડબ્બો ફરી ૨૪૦૦ રૂપિયા ઉપર થઈ ગયો જ્યારે કપાસિયા તેલ ૧૦૮૦ પર પહોંચી ગયું. 

 

સીંગતેલ ૧૦ કિલો લુઝ ડબ્બાના ભાવ ૧૩૫૦ થી ૧૩૭૫ રૂપિયા થઈ ગયો છે. જ્યારે ટેક્સપેઇડ ડબ્બાનો ભાવ ૨૪૦૦ રૂપિયા ને વટાવી દીધો છે. જ્યારે ડબ્બાનો ભાવ ૧૮૭૫ રૂપિયા થઈ ગયો અને પામોલિનનો ડબ્બો ૧૭૩૦ રૂપિયા થઈ ગયો છે.

 

સોના-ચાંદીમાં ૬ મહિનાના ટૂંકા ગાળામાં ઘટાડો :

 

૨ ફેબ્રુઆરીના રોજ બજેટ રજૂ થયું જેમાં સોના-ચાંદી પર કસ્ટમડ્યૂટી ઘટાડી હતી જેથી બજેત રજૂ થયા બાદ સોના-ચાંદીના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જોકે સોના-ચાંદીમાં ઓગસ્ટ મહિનાથી ધીમે ધીમે ઘટાડો થતો આવ્યો છે. 

 

કોરોના સમય દરમ્યાન ઓગસ્ટ મહિનામાં સોના-ચાંદીના ભાવો આકાશે પહોંચ્યા હતા ત્યારબાદ ધીમે ધીમે કોરોના સંકટ ટળતો ગયો અને આર્થિક સ્થિતિમાં સુધારો થતો ગયો તેમ તેમ સોના-ચાંદીના ભાવ માં ઘટાડો થતો ગયો.

 

ઓગસ્ટ ૨૦૨૦ માં સોનું રૂ. ૬૦,૦૪૦ ₹ પ્રતિ ૧૦ગ્રામ હતું જ્યારે ચાંદી રૂ. ૭૭,૮૪૦ ₹ પ્રતિ ૧ કિલો હતું. જે  અત્યારે સોનું ઘટીને રૂ. ૪૯,૨૫૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ થયું જ્યારે ચાંદી ઘટીને રૂ. ૬૮,૭૦૦ ₹ પ્રતિ ૧ કિલો થઈ.

 

આમ, ઓગસ્ટ ૨૦૨૦ થી લઈને આજ સુધીમાં ૬ મહિનાના ટૂંકાગાળામાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામ દીઠ લગભગ રૂ.૧૦,૦૦૦ ₹ નો ઘટાડો થયો છે જ્યારે ચાંદીના ભાવમાં ૧ કિલો દીઠ લગભગ રૂ. ૯,૦૦૦ ₹ કરતા વધુ ઘટાડો થયો છે.

 

સોનામાં ઘટાડો થવા પાછળના મુખ્ય કારણોમાં બજેટમાં આયાત ડ્યૂટીમાં ૧૨% થી ઘટાડીને ૭.૫% કરી દેવામ આવ્યો, વૈશ્વિક સ્તરે કોરોના વેક્સિનની ઉપલબ્ધી તેમજ હેજફંડો-રોકાણકારો ગોલ્ડમાં પ્રોફિટબુક કરી ઇકવિટીમાં પ્રવેશતા માર્કેટમાં શોર્ટટર્મ ટ્રેંડ નેગેટિવ રહ્યો છે.