khissu.com@gmail.com

khissu

શું ગુજરાતમાં માવઠાનો માહોલ ? શું છે પરેશભાઇ ગૌસ્વામી ની આગાહી ? માવઠું પડશે ?

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં આગામી સમયમાં હવામાન કેવું રહેશે અને માવઠાના એંધાણ છે કે કેમ તે અંગે મહત્વની આગાહી કરી છે. આ સાથે તેમણે ઠંડીના રાઉન્ડ સહિતની માહિતી પણ આપી છે. આ સાથે તેમણે ઝાકળવર્ષા અંગે જે આગાહી કરી હતી તે પ્રમાણે 30મી જાન્યુઆરીએ રાજ્યના કેટલાક ભાગોમાં તે પ્રમાણેનું હવામાન રહ્યું હતું. હવે આગામી દિવસોમાં રાજ્યના હવામાનમાં કેવા ફેરફારો થશે તે અંગે તેમણે વિસ્તૃતમાં જણાવ્યું છે.

પરેશ ગોસ્વામી જણાવે છે કે, તારીખ 30, 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરી માટે ઝાકળવર્ષાની સંભાવનાઓ વ્યક્ત કરી હતી. જેમાં 30મી જાન્યુઆરીએ રાજ્યના ઘણાં ભાગોમાં સવારે ઝાકળવર્ષા જેવો માહોલ તથા લો-વિઝિબ્લિટી જોવા મળી હતી. જેમાં કેટલીક જગ્યાએ ઘાટું ઝાકળ પણ જોવા મળ્યું હતું. જાણે રાત્રે વરસાદી ઝાપટું પડી ગયું હોય તેવી ઝાકળ પણ ઘણાં વિસ્તારોમાં જોવા મળી છે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ઘાટું ઝાકળવાળું વાતાવારણ જોવા મળ્યું હતું.

હવે તેમણે જણાવ્યું છે કે, બુધવાર અને ગુરુવારે પણ રાજ્યના કેટલાક ભાગોમાં ઝાકળવર્ષાનો માહોલ જોવા મળી શકે છે. આ સિવાય રાજ્યમાં ઠંડીમાં ઘટાડો નોંધાયો છે. પાછલા બે દિવસથી મહત્તમ તાપમાન ઊંચું આવી રહ્યું છે તે અંગે તેમણે વાત કરીને જણાવ્યું કે આ પાછળનું કારણ ઉત્તર અને ઉત્તર પૂર્વના પવનો ચાલતા હતા તે બદલાઈને ઉત્તર-પશ્ચિમના અને પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે.

હવામાન નિષ્ણાત આગામી 5 ફેબ્રુઆરી સુધી હાલ પ્રમાણેનું તાપમાન ઊંચું રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. જોકે, આ પછી સામાન્ય ઠંડીનો રાઉન્ડ આવી શકે છે. આ સાથે હાલ રાજ્યમાં ઘણાં ભાગોમાં વાદળછાયું વાતાવરણ છે અને માવઠા જેવો માહોલ ઉભો થયો છે. જોકે, હાલ અમારા તરફથી કોઈ માવઠાની આગાહી નથી. જેથી ખેડૂતોએ તેનાથી ગભરાવાની જરુર નથી.

ઉત્તર ભારત પરથી પસાર થઈ રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે વાદળો જોવા મળી રહ્યા છે અને તેની અસરો ગુજરાતમાં જોવા મળી રહી છે પરંતુ રાજ્યમાં હાલ માવઠાની અમારા તરફથી કોઈ સંભાવનાઓ દેખાઈ રહી નથી. તેમણે કહ્યું કે હાલ જે વાદળ થઈ રહ્યા છે તે કસના (ચોમાસામાં વરસાદ થવા માટેનાં વાદળનાં ચિહ્ન) વાદળો આ કસના 225 દિવસ પછી ચોમાસા દરમિયાન વરસાદના રૂપમાં લાભ આપી શકે છે.

તેઓ આગળ જણાવે છે કે, આ કસના વાદળો આગામી સમય માટે લાભદાયી છે પરંતુ હાલ તેના કારણે જીરુ જેવા પાકને નુકસાન થઈ શકે છે. જીરુમાં કાળી ચર્મીની શરુઆત થઈ ગઈ છે અને આવા વાદળો વધુ 2-4 દિવસ સુધી રહે તો કાળી ચર્મીમાં વધારો થઈ શકે છે. જોકે, વાદળો વધુ દિવસ રહે તેવી શક્યતાઓ નથી. તેમણે પહેલી ફેબ્રુઆરીથી આ વાદળો વિખેરાઈ જવાની શક્યતાઓ પણ વ્યક્ત કરી છે.

5મી તારીખ પછી પવનની દિશા બદલાઈને ફરી ઉત્તર અને ઉત્તર-પૂર્વની થશે અને તાપમાન ફરી નીચું આવી શકે છે. આમ તેમણે 30મી જાન્યુઆરીએ કરેલી આગાહીમાં ઠંડી, ઝાકળ અને કસના વાદળો સહિતની માહિતી આપી છે. આ સાથે તેમણે આગામી વધુ આગાહીમાં ફેરફાર હશે તો તેની જાણ કરવાની વાત પણ કરી છે.