હવે દેશની મહિલાઓ પણ પુરૂષો સાથે ખભેથી ખભો મિલાવી તરક્કી કરી રહી છે. આજની મહિલા કોઈપણ ક્ષેત્રમાં પુરુષોને ટક્કર આપી રહી છે. હવે ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓને આત્મનિર્ભર બનાવવા એક વિશેષ યોજના શરૂ કરવામાં આવી છે. સેલ્ફ હેલ્પ ગ્રુપની મહિલાઓને ખેતી દ્વારા આત્મનિર્ભર બનાવવામાં આવી છે. આ ખેતી માટે 'જવાહર મોડલ'નો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં પાક જમીનમાં નહીં પણ બોરીઓમાં વાવવામાં આવે છે. તો આવો જાણીએ આ જવાહર મોડેલ શું છે.
જવાહર મોડલ ફાર્મિંગ કેવી રીતે થાય છે
તમને જણાવી દઈએ કે, મધ્યપ્રદેશના જબલપુરમાં સ્થિત જવાહરલાલ નહેરુ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા જવાહર મોડલ હેઠળ કરવામાં આવતી ખેતીની પદ્ધતિ વિકસાવવામાં આવી છે. જ્યાં હળદર જેવા પાક પણ છાયડામાં ઉગાડવામાં આવે છે. એક બોરીમાં લગભગ 50 ગ્રામ હળદરના બીજનો ઉપયોગ કરવામાં આવે છે અને છ મહિનામાં 2-2.5 કિલો સુધી હળદર અને 2-2.5 કિલો તુવેર એક તુવેરના છોડમાંથી મેળવી શકાય છે.
નોંધનિય છે કે,ખેતીમાં જવાહર મોડલના ઉપયોગને કારણે જે ખેડૂતોની પાસે ખેતી માટે માત્ર એક થી 2 એકર જમીન છે તેમને મોટો ફાયદો થવાની અપેક્ષા છે. કારણ કે, 65 કિલો માટી અને ખાતર ધરાવતી આ બોરી પાકની ઉપજમાં 20 ગણો વધારો કરવાનો દાવો કરવામાં આવે છે. એક અંદાજ મુજબ, મધ્યપ્રદેશના 70 ટકા ખેડૂતો જવાહર મોડલ ફાર્મિંગનો લાભ લઈને તેમની આવક વધારી શકે છે.
ઉજ્જડ જમીનમાં પણ ખેતી
જવાહર મોડલ ખરેખર નાના ખેડૂતો માટે એક શ્રેષ્ઠ વિકલ્પ તરીકે ઉભરી આવ્યું છે. આ પાક બંજર જમીનમાં પણ ઉગાડી શકાય છે. આ સાથે, એક સાથે અનેક પ્રકારના પાકની ખેતી થવાને કારણે, ખેડૂત તેની જરૂરિયાતના સમયે તેની ઉપજ વેચીને કમાણી કરી શકે છે. કઠોળ અને તેલીબિયાંની સાથે, ખેડૂત તેમાં શાકભાજીની ખેતી પણ કરી શકે છે, જેના કારણે તે નિયમિત આવક મેળવતો રહેશે.
ખેડૂતોની આવક થશે વધારો
સૌથી મહત્વની વાત એ છે કે, જવાહર મોડલ ફાર્મિંગમાં ખેડૂતોના ખેતર ખેડવાનો ખર્ચ બચે છે. આ સાથે જંતુનાશક દવાઓની સાથે સિંચાઈ અને ખાતર પાછળ ખર્ચવામાં આવતી મોટી રકમની પણ બચત થાય છે. જવાહર મોડલ દ્વારા ખેડૂતો તેમની પડતર અને બંજર જમીન સિવાય આંગણામાં, તેમના ઘરની આસપાસ ખાલી ટેરેસમાં પાક ઉગાડી શકે છે. એક અંદાજ મુજબ, ખેડૂતને જમીન ખેડવામાં, જંતુનાશકો અને ખાતરો પાછળ સૌથી વધુ ખર્ચ કરવો પડે છે. 1 એકરથી ઓછી જમીન ધરાવતા નાના ખેડૂતો માટે જવાહર મોડલ આવક વધારવાનો એક શ્રેષ્ઠ વિકલ્પ છે.