દરેક વ્યક્તિનું સપનું હોય છે કે પોતાનું ઘર હોય. પરંતુ આ મોંઘવારીના સમયમાં સપનાનું ઘર લેવુ એટલુ શક્ય નથી હોતુ. તેથી લોકો લોન લઈને પોતાનું ઘર લેતા હોય છે. હવે ઘણી વખત હોમ લોન સરળતાથી મંજૂર થતી નથી અને લોકોને વારંવાર ધક્કા ખાવા પડે છે. આવા લોકો માટે સંયુક્ત હોમ લોન મોટી રાહત બની શકે છે. એટલે કે જો તમે અન્ય વ્યક્તિ સાથે સંયુક્ત રીતે લોન લો છો, તો તેના ઘણા ફાયદા છે. એક ફાયદો એ છે કે તે તમારા પર લોન ચૂકવવાનો બોજ ઘટે છે. આ ઉપરાંત તમે તમારા જીવનસાથી સાથે મોટું ઘર ખરીદી શકો છો. વધુમાં, સરકાર નોંધણી ફી પર ડિસ્કાઉન્ટ ઓફર કરે છે.
હવે જેટલા ફાયદા છે તેની સાથે સાથે કેટલાક જોખમો પણ જોડાયેલા છે. ચાલો જાણીએ કે જોઈન્ટ હોમ લોન લેતી વખતે કયા જોખમોને ધ્યાનમાં રાખવા જરૂરી છે. જેથી જ્યારે પણ તમે લોન લેવા જાવ ત્યારે કોઈ મુશ્કેલીમાં ન ફસાવ અને તમને સરળતાથી લોન મળી રહે.
ક્રેડિટ સ્કોર ખરાબ થઈ શકે છે
હવે જો સંયુક્ત હોમ લોનમાં જો તમારો સાથી તેનો હિસ્સો ચૂકવવાની મનાઈ કરે છે, તો તે ક્રેડિટ સ્કોરને અસર કરી શકે છે. નિષ્ણાતોના મતે, મોટાભાગની ડિફોલ્ટ ચૂકવણી સહ-અરજદારો સાથે થાય છે. આ સિવાય જ્યારે તમે જોઈન્ટ હોમ લોન લો છો તો તમારા બંનેની ક્રેડિટ લિમિટ ખતમ થઈ જાય છે. કટોકટીની સ્થિતિમાં અથવા તમારા બાળક માટે એજ્યુકેશન લોન લેતી વખતે તે જોખમી બની શકે છે.
છૂટાછેડા અથવા મૃત્યુના કિસ્સામાં શું થશે
ધારો કે કોઈ વ્યક્તિ તેના પાર્ટનર સાથે જોઈન્ટ હોમ લોન લે છે અને તેને પાછળથી કોઈ કારણસર અલગ કરવા માંગે છે, તો આવી સ્થિતિમાં તે મુશ્કેલીમાં મુકાઈ શકે છે. નિષ્ણાતો કહે છે કે છૂટાછેડા પછી, જો પતિ-પત્નીમાંથી કોઈ એક EMI ચૂકવવાનું બંધ કરે છે, તો તે ચૂકવવાનો બોજ બીજા અરજદાર પર પડે છે.
ખાસ વાત એ છે કે અરજદાર સમગ્ર મિલકતની માલિકી મેળવ્યા વિના EMI ચૂકવશે. આ ઉપરાંત, લોનની ચૂકવણી કરવામાં અસમર્થતા બંને અરજદારો માટે કાનૂની સમસ્યાઓ ઊભી કરી શકે છે. તેથી, સંયુક્ત હોમ લોન લેતા પહેલા હંમેશા નિષ્ણાતોની સલાહ લેવાનું સૂચન કરવામાં આવે છે. આ ઉપરાંત જો જીવનસાથીમાંથી એકનું મૃત્યુ થાય છે, તો લોન ચૂકવવાની સંપૂર્ણ જવાબદારી બીજા પર આવે છે.
માલિકીનો અધિકાર
સંયુક્ત લોનના કિસ્સામાં, ઘરની માલિકી સમાન રીતે વહેંચવામાં આવે છે અને EMI કોણે ચૂકવી છે તેનાથી કોઈ ફરક પડતો નથી. આ ઉપરાંત, જ્યારે એક કરતાં વધુ માલિક હોય, ત્યારે મિલકત વેચવી મુશ્કેલ બની શકે છે. જ્યાં સુધી બંને માલિકો વેચવા માટે સંમત ન થાય ત્યાં સુધી તે વેચી શકાતી નથી. જેથી સંયુક્ત લોન લો ત્યારે આ બધી વાતનું એનાલિસીસ કર્યા બાદ કોઈ નિર્ણય લેવો. જેથી ભવિષ્યમાં કોઈ સમસ્યા ન સર્જાય.