Market Cap: સેન્સેક્સની ટોચની 10 સૌથી મૂલ્યવાન કંપનીઓમાંથી સાતના માર્કેટ કેપમાં ગયા સપ્તાહે સામૂહિક રીતે રૂ. 65,302.5 કરોડનો વધારો થયો છે. સૌથી વધુ ફાયદો ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) અને ICICI બેન્કનો હતો. ગયા સપ્તાહે BSEના 30 શેરોવાળા સેન્સેક્સમાં 663.35 પોઈન્ટ અથવા 0.90 ટકાનો ઉછાળો નોંધાયો હતો.
જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 165.7 પોઈન્ટ અથવા 0.74 ટકા વધ્યો હતો. મુખ્ય સ્ટોક એક્સચેન્જો BSE અને NSE એ પ્રાથમિક સાઈટ પર કોઈ મોટી વિક્ષેપ અથવા નિષ્ફળતાનો સામનો કરવા માટે તેમની તૈયારીની તપાસ કરવા શનિવારે ઈક્વિટી અને ઈક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં ખાસ ટ્રેડિંગ સત્ર યોજ્યું હતું.
આ કંપનીઓએ નફો કર્યો
ટોચની 10 કંપનીઓની યાદીમાં TCS, HDFC બેન્ક, ICICI બેન્ક, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI), ભારતી એરટેલ, હિન્દુસ્તાન યુનિલિવર અને ITC બેન્કની માર્કેટ મૂડીમાં વધારો થયો છે. તે જ સમયે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ઈન્ફોસીસ અને લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC)ની બજાર સ્થિતિ ઘટી ગઈ છે.
સપ્તાહ દરમિયાન TCSનું માર્કેટ વેલ્યુએશન રૂ. 19,881.39 કરોડ વધીને રૂ. 14,85,912.36 કરોડ થયું હતું. ICICI બેન્કે સપ્તાહ દરમિયાન રૂ. 15,672.82 કરોડ ઉમેર્યા હતા અને તેનું બજાર મૂલ્ય રૂ. 7,60,481.54 કરોડ સુધી પહોંચ્યું હતું.
SBIનું માર્કેટ કેપ રૂ. 12,182.1 કરોડ વધીને રૂ. 6,89,917.13 કરોડ અને HDFC બેન્કનું માર્કેટકેપ રૂ. 7,178.03 કરોડ વધીને રૂ. 10,86,464.53 કરોડ થયું છે. હિન્દુસ્તાન યુનિલિવરનું મૂલ્યાંકન રૂ. 5,051.63 કરોડ વધીને રૂ. 5,67,626.01 કરોડ થયું છે. ભારતી એરટેલનું મૂલ્યાંકન રૂ. 4,525.14 કરોડ વધીને રૂ. 6,38,721.77 કરોડ થયું છે. ITCનું માર્કેટ કેપ રૂ. 811.39 કરોડ વધીને રૂ. 5,14,451.76 કરોડ થયું છે.
આ કંપનીઓ ખોટમાં રહી
આ વલણથી વિપરીત LICનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 19,892.12 કરોડ ઘટીને રૂ. 6,54,763.76 કરોડ થયું હતું. ઇન્ફોસિસનું માર્કેટ વેલ્યુએશન રૂ. 9,048.17 કરોડ ઘટીને રૂ. 6,86,997.15 કરોડ થયું હતું. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 3,720.44 કરોડ ઘટીને રૂ. 20,16,750.44 કરોડ થયું હતું.
ટોચની 10 કંપનીઓની યાદીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પ્રથમ સ્થાને રહી. તે પછી અનુક્રમે TCS, HDFC બેન્ક, ICICI બેન્ક, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, ઇન્ફોસિસ, LIC, ભારતી એરટેલ, હિન્દુસ્તાન યુનિલિવર અને ITC આવે છે.