રૂપાણી સરકાર રાજ્યમાં અવનવી યોજનાઓ અમલમાં મૂકતી રહે છે. એ ભલે પછી શહેરી લોકો હોય કે નાના ગામડાનો ખેડૂત, એમાં પણ સરકાર ખેડૂત કલ્યાણના અનેક પગલાં ઉઠાવી રહી છે. રાજ્યના વિકાસમાં ખેતી અને ખેડુતોનો મોટો ફાળો રહેલો છે. ખેડૂતોને ચોમાસાની સિઝનમાં અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ, કમોસમી વરસાદ જેવા આકસ્મિક જોખમોનો સામનો કરવો પડે છે. આ જોખમો સામે રક્ષણ માટે 33 ટકા કે તેથી વધુ પાક નુકશાન થાય તો ખેડૂતોને સહાય આપવામાં આવે છે. યોજનામાં સમાવેશ આપત્તિના જોખમો નીચે મુજબ છે. 1. અનાવૃષ્ટિ 2. અતિવૃષ્ટિ 3. કમોસમી વરસાદ જોખમોથી પાક નુકસાનને સહાય માટે પાત્ર ગણવામાં આવશે.
[1] અનાવૃષ્ટિ: જે તાલુકામાં ચાલુ સિઝનનો 10 ઇંચથી ઓછો વરસાદ પડ્યો હોય અથવા રાજ્યમાં ચોમાસુ શરૂ થાય ત્યારથી 31 ઓગસ્ટ સુધીના સમયગાળામાં બે વરસાદ વચ્ચે સતત ચાર અઠવાડિયા વરસાદ ન પડે તો ખેતીના પાકને થયેલ નુકસાન અનાવૃષ્ટિ ગણવામાં આવે છે.
[2] અતિવૃષ્ટિ: કોઈ તાલુકાને યુનિટ ગણી અતિવૃષ્ટિના પ્રસંગો જેવા કે વાદળ ફાટવું, સતત ભારે વરસાદ કે જેમાં દક્ષિણ ગુજરાત રિજિયનના જિલ્લાઓ (ભરુચ, નર્મદા, તાપી, સુરત, નવસારી, વલસાડ અને ડાંગ) માટે 48 કલાકમાં 35 ઇંચ કે તેથી વધુ અને તે સિવાયના રાજ્યના તમામ જિલ્લાઓમાં 48 કલાકમાં ૨૫ ઇંચ કે તેથી વધુ વરસાદ મહેસુલી તાલુકાના રેઇન ગેજ મુજબ નોંધાયેલ હોય અને ખેતીના વાવેતર કરેલ ઊભા પાકમાં થયેલ નુકશાનને અતિવૃષ્ટિનું જોખમ ગણવામાં આવશે અને તેમાં ખેડૂતને લાભ મળશે.
[૩] કમોસમી વરસાદ (માવઠું): રાજ્યમાં 15 ઓક્ટોબર થી 15 નવેમ્બર સુધીમાં મહેસુલી તાલુકાના રેઇન ગેજમાં સળંગ 48 કલાકમાં 50 મી.મી. થી વધુ વરસાદ પડે અને ખેતીના પાકને ખેતરમાં નુકસાન થાય તો તે કમોસમી વરસાદ (માવઠું) ગણવામાં આવશે જેમાં પણ ખેડૂતને લાભ મળશે.
પાક નુકસાનીનો સર્વે કેવી રીતે થાય છે?
રાજ્ય સરકાર દ્વારા તાલુકા, જીલા, ગામોમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં ટીમ મોકલવામાં આવે છે અને સરકાર ને 15 દિવસની અંદર રિપોર્ટ મોકલવાનો હોય છે. રીપોર્ટની અંદર 33% થી 60% નુકસાન અને 60% થી વધુ નુકસાન એમ બે રિપોર્ટ બનાવવામાં આવે છે.
આ યોજના અંતર્ગત લાભાર્થી ખેડૂતની પાત્રતા શું હોય?
આ યોજનાનો લાભ મેળવવા માટે સૌથી પહેલો પ્રશ્ન એ થાય કે લાભાર્થી ખેડૂત ગણવો કોને? તો તમને જણાવી દઈએ કે રેવન્યુ રેકોર્ડમાં નોંધાયેલ 8 અ ખેડુત ખાતેદાર તથા ફોરેસ્ટ રાઈટ એક્ટનાં કાયદા હેઠળ આવતા ખેડૂતને લાભાર્થી ગણવામાં આવે છે. આ યોજના માટે ખેડૂત લાભાર્થીએ ખરીફ ઋતુમાં વાવેતર કરેલું હોવું જરૂરી છે.
> આ યોજના અંતર્ગત લાભાર્થીને કોઈપણ એક જોખમનો જ લાભ મળશે. અનાવૃષ્ટી, અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદ જોખમના કારણે ઊભા ખરીફ પાકના 33% કે તેથી વધુ નુકસાન થયુ હોય તો જ આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.
> ખાતા દીઠ એક ખેડુત જ ફોર્મ ભરી શકશે એ પણ 4 હેક્ટરની મર્યાદામાં જ લાભ મળશે. કોઈ વિસ્તારમા અનાવૃષ્ટિ થાય અને કેનાલ આધારિત કમાન્ડ એરિયાનાં ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે નહિ.
મળવાપાત્ર સહાય કેટલી હશે?
ખરીફ ઋતુમાં 33% થી 60% પાકને નુકસાન થયું હોય તો 20,000 રૂપિયા સહાય મળશે અને જો 60% થી વધુ પાક નુકસાન થયું હોય તો 25,000 સહાય મળવાપાત્ર રહેશે.
ફોર્મ ભરવા માટે ક્યાં પુરાવાની જરૂર પડે?
7/12 ની નકલ ગામના નમૂના નંબર 12 માં પાક વાવેતરની નોંધણી થયેલ ન હોય તો તલાટી કમ મંત્રીનો પાક વાવેતરનો દાખલો.
બેંક પાસબુકની નકલ
આધાર કાર્ડની નકલ
જો જમીન સંયુક્ત હોય તો અન્ય ખાતેદારોનુ સંમતિપત્રક
ફોર્મ ક્યાં ભરી શકાય?
દરેક ખેડૂતોએ ગ્રામપંચાયત કચેરીએ જઇને VCE દ્વારા ઓનલાઇન અરજી કરારવાની રહેશે.