6 સપ્ટેમ્બરની અપડેટ મુજબ બંગાળની ખાડીમાં લો-પ્રેશર સિસ્ટમ સક્રિય બની ચૂકી છે. જે લો-પ્રેશર સિસ્ટમ આગામી ૨૪થી ૪૮ કલાક દરમિયાન ઓરિસ્સા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ-ઉત્તર મહારાષ્ટ્ર થઈને ગુજરાત પર આવશે. લો-પ્રેશર ગુજરાત નજીક આવતા જ આવતીકાલથી ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળશે.
6 તારીખે: આજથી જ દક્ષિણ ગુજરાત, મહારાષ્ટ્ર-મધ્યપ્રદેશ લાગુ બોર્ડરના જિલ્લામાં વરસાદી વાતાવરણ તૈયાર થઈ જશે. જો કે વહેલી સવારથી જ સુરતના કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટા પડ્યા છે. અને આજે બપોર બાદ વરસાદના વિસ્તારોમાં વધારો જોવા મળશે.
7 તારીખે: 7 તારીખે વહેલી સવારથી જ અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ ચાલુ થઈ શકે છે અને રાત્રી દરમ્યાન ઘણાબધા ભાગો જેવા કે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં કડાકા ભડાકા સાથે વરસાદ થઇ શકે છે. લો-પ્રેશરની સાચી અસર 7 તારીખની રાત્રી થી ચાલુ થશે.
8-9 તારીખે: ગુજરાતમાં લો-પ્રેશરની સૌથી વધારે અસર 8 અને 9 તારીખે જોવા મળશે. આઠ તારીખે વહેલી સવારથી જ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, પૂર્વ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ જોવા મળશે. જોકે વેધર મોડલો હાલમાં આ રીતે માહિતી જણાવી રહ્યા છે, પરંતુ જે રીતે અનુકૂળ પરિબળો મળશે તેમ આ વિસ્તારની અંદર વધારો થશે અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગો, મધ્ય ગુજરાતના કેટલાક ભાગો અને કચ્છના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ થાય અને ત્યાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવે તેવાં પરિબળો હાલ જોવા મળી રહ્યા છે.
હવામાન વિભાગે પણ સાત તારીખથી લઈને નવ તારીખ દરમિયાન સારા વરસાદની આગાહી જણાવી છે. હવામાન વિભાગે પોતાની ઓફિશિયલ વેબસાઈટ પર આઠ અને નવ તારીખે સાર્વત્રિક વરસાદની આગાહી દર્શાવી છે. આ સપ્તાહ દરમિયાન આઠ અને નવ તારીખનાં વરસાદનાં રાઉન્ડને મુખ્ય રાઉન્ડ ગણવામાં આવશે. ત્યાર બાદ આટલો વરસાદ 14 તારીખ સુધી કદાચ જોવા નહીં મળે.
9-10-11-12 તારીખે: આ તારીખો દરમિયાન લો-પ્રેશર સિસ્ટમ ઉત્તર ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ લાગુ વિસ્તારોમાં સ્થિત હશે. જોકે પાકિસ્તાન બાજુથી એન્ટી સાયકલોનીક સિસ્ટમ તેમની સામે તૈયાર થવાને કારણે આ સિસ્ટમ આગળ નહીં વધે અને 12-18 કલાક ત્યાં રહી થોડી નબળી પડશે અને વરસાદના વિસ્તારોમાં ઘટાડો નોંધાતો જશે. 9 તારીખ દરમિયાન કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં સારો વરસાદ પડ્યા બાદ 10 તારીખથી વિસ્તારમાં ઘટાડો થશે. જોકે ૧૧ અને ૧૨ તારીખે પણ સામાન્ય હળવો ઝાપટાનો વરસાદ અલગ-અલગ ભાગોમાં ચાલુ રહેશે.
12-13-14 તારીખ દરમિયાન ગુજરાતના જુદા જુદા ભાગોમાં સામાન્યથી હળવો વરસાદ ચાલુ રહેશે. લો-પ્રેશર સિસ્ટમને કારણે તૈયાર થયેલું વાતાવરણ અને અરબી સમુદ્રનો ભેજ અલગ-અલગ ભાગોમાં સારો વરસાદ આપશે. જોકે 11 તારીખ દરમિયાન બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય બને તેવી પણ સંભાવનાઓ છે તો તેમના ભાગરૂપે આગામી દિવસોમાં ફરીથી વરસાદી માહોલ સર્જાઇ શકે છે.
આગોતરું: સપ્ટેમ્બર મહિનામાં બેક-ટુ-બેક લો-પ્રેશર સિસ્ટમ બંગાળની ખાડીમાં બનવાની છે. એક અનુમાન મુજબ ચારથી વધારે સિસ્ટમ બની શકે છે. જોકે તેમાંથી ગુજરાત પર કેટલી આવે તે આગામી સમયમાં અમે તમને જણાવતા રહીશું. આવનારા દિવસોમાં સારા વરસાદને કારણે નદી-નાળાં છલકાઈ જાય અને ભારે પૂર આવે તેવા સંજોગો પણ બની રહ્યા છે. ગુજરાતમાં ૪૧ ટકા વરસાદની ઘટ નોંધાઈ રહી છે તે ઘટ્ટ આ મહિનામાં પૂર્ણ થઇ શકે છે.
ખાસ નોંધ- જેમ સિસ્ટમ નજીક આવશે તેમ વધારે માહિતી Khissu ની એપ્લિકેશનમાં અને જણાવતા રહીશું. કુદરતી પરિબળોને કારણે આગાહીમાં ફેરફાર થઈ શકે છે. ખેતીના કાર્યો માટે હવામાન વિભાગની વેબસાઇટ અનુસારવી.
- આભાર (Team Rakhdel)