રાજ્યમાં જેવીરીતે પેટ્રોલના ભાવમાં દિવસે ને દિવસે વધારો જોવા મળે છે તેવી જ રીતે સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં દિવસે ને દિવસે મોટો વધારો જોવા મળ્યો છે. સામાન્ય માણસ ગમે તેમ કરીને બિનજરૂરી વસ્તુઓ તો ટાળી શકે છે પણ જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે તેને કેવી રીતે ટાળી શકે. એક સામાન્ય વર્ગના માણસ પર તેના પરિવારને સાચવવાની જવાબદારી હોય છે એવામાં જીવનજરૂરિયાતની જ વસ્તુઓ આટલી મોંઘી થતી જાય ત્યારે કોઈપણ વ્યક્તિ ડિપ્રેશનમાં આવી જાય છે.
તમે પણ સીંગતેલ કે કપાસિયા તેલ ખરીદતા પહેલા ૩ વાર વિચાર તો કરતા જ હશો હે ને ! પુરવઠા વિભાગની નિષ્ક્રિયતા અને ઓઇલ મિલરો બેફામ બનતા તેલના ભાવ ટોચ પર પહોંચ્યા છે.
હાલ સિંગતેલ અને કપાસિયા તેલના ભાવ આસમાને પહોંચ્યા છે. ગૃહિણીઓ ચિંતામાં મુકાઈ ગઈ છે. હાલ વધતાં જતાં ભાવો ક્યારે બ્રેક મારશે કોઈ નથી જાણતું. પેટ્રોલ-ડિઝલ પછી હવે ખાદ્યતેલોએ લોકોનું કચુંબર બનાવવાનું શરૂ કરી દિધું છે.
સીંગતેલ અને કપસીયા તેલમાં ભાવ વધ્યા : હાલ સિંગતેલના ડબ્બાનો ભાવ ૨૫૦૦ રૂપિયા થઈ ગયો છે. જ્યારે કપસીયા તેલનો ભાવમાં ૨૫ રૂપિયાનો વધારો થયો જેથી કપાસિયા તેલનો ડબ્બો ૨૦૦૦ રૂપિયાને વટાવીને ૨૦૨૦ રૂપિયા થયો. મુખ્ય તેલ સાથે સાથે સાઈડના તેલ પણ વધ્યાં જેમાં લગભગ ૧૦ રૂપિયાથી લઇને ૪૦ રૂપીયાનો વધારો જોવા મળ્યો.
અગાઉના વર્ષે ખાદ્ય તેલમાં રહેલો ભાવ : જોકે અગાઉના વર્ષની વાત કરીએ તો ૨૦૨૦માં જાન્યુઆરી માસમાં સીંગતેલનો ભાવ ૧૫૫૫ રૂપિયા, ફેબ્રુઆરીમાં ૧૫૭૩ રૂપિયા, માર્ચમાં ૧૬૯૯ રૂપિયા, એપ્રિલમાં ૧૯૨૩ રૂપિયા, મેં મહિનામાં ૨૦૩૮ રૂપિયા, જૂન મહિનામાં ૨૦૭૯ રૂપિયા, જુલાઈમાં ૨૦૭૮, ઓગસ્ટમાં ૨૦૮૫, સપ્ટેમ્બરમાં ૨૦૮૧, ઓક્ટોબરમાં ૨૦૭૭, નવેમ્બરમાં ૨૧૦૯ અને ડિસેમ્બરમાં ૨૧૭૧ રૂપિયા ભાવ જોવા મળ્યો હતો.
ખાદ્યતેલના ભાવ વધારા મુદ્દે નીતિન પટેલનું નિવેદન : રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનપટેલે નિવેદન આપ્યું હતું જેમાં તેઓએ સીંગતેલમાં વધેલા ભાવ માટે વિદેશમાં થઈ રહેલી નિકાસને જવાબદાર ગણાવી હતી. તેમના કહેવા પ્રમાણે અન્ય દેશોમાં સીંગતેલમાં ભાવની માંગ વધતાં નિકાસ વધારાઈ છે અને તેના કારણે ખેડૂતો પાસેથી મગફળી વધારે ખરીદાઈ જેનો સીધો ફાયદો ખેડૂતોને થયો છે.